કેન્દ્ર સરકારનાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ચાલતા સ્વચ્છતા સર્વેક્ષણમાં મોરબી ફરીવાર અનેક શહેરથી પછડાટ મળી છે.ગુજરાતમાં 23મો ક્રમ જયારે દેશભરમાં 206મો ક્રમ મળ્યો છે.મોરબી જિલ્લાનાં વડું મથક અને એ ગ્રેડની મોરબી નગરપાલિકાની સફાઈ કામગીરી બાબતે ખૂબ નબળી રહી હોય તેમ લાગી રહ્યું છે.રાજ્યની મહાનગર પાલિકા તો દૂર બી ગ્રેડની નગરપાલિકાઓથી પણ સ્વચ્છતા બાબતમાં પાછળ રહી ગઈ છે. મોરબી પાલિકા આ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં આણંદ,વાપી,ગોધરા,ગાંધીધામ, પોરબંદર,નડિયાદ,નવસારી મહેસાણા ભુજ જેવી પાલિકાની સાથે સાથે ગોંડલ, જેતપુર જેવી પાલિકાથી પણ પાછળ રહી ગયું છે.
કેન્દ્ર સરકારનાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દર વર્ષે યોજાતા સ્વચ્છતા સર્વેક્ષણનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત દેશના સૌથી સ્વચ્છ શહેરનાં નામ જાહેર કર્યા હતાં. મોરબી શહેરને સ્વચ્છતા રેન્કિંગમાં દેશભરનાં સ્વચ્છ શહેરમાં 206મો ક્રમ મળ્યો હતો.જ્યારે રાજય કક્ષાએ 23મો ક્રમ મળ્યો છે.મોરબી પાલિકાને કુલ 5000 માંથી 2390.65 માર્ક મળ્યા હતા.
પ્લાસ્ટિક કચરા બદલામાં અન્ય સાધનો આપવાની યોજના અમલી
મોરબી પાલિકા દ્વારા લોકો જાહેરમાં કચરો ન ફેંકે તે માટે ડોર ટૂ ડોર કચરા નિકાલને વધુ સુદ્રઢ બનાવીશુ, લોકો માટે પ્લાસ્ટિક બોટલો અને અન્ય કચરા જમા કરાવે અને તેનાં બદલામાં પ્લાસ્ટિકનાં અન્ય સાધનો ભેટ યોજના અમલમાં મૂકી છે. આવી યોજના લાવીને અમલમાં મુકનારી રાજ્યની આ પહેલી નગરપાલિકા છે અને લોકોનો પણ તેને સારો સહયોગ મળી રહ્યો છે. તેનાથી શહેરની સફાઈમાં વધારો થશે. > ગિરીશ સરૈયા, ચીફ ઓફિસર
કયા પગલાંને લીધે માર્ક વધ્યા?
મોરબી પાલિકા વિસ્તારમાં ડોર ટૂ ડોર વાહનો, ડમ્પિંગ સાઇટ પર કચરાનો નિકાલ, પ્લાસ્ટિક પર પ્રતિબંધ, જાહેર શૌચાલયનું રીનોવેશન, સફાઈ સહિતનાં પગલાએ માર્ક અપાવ્યા. ગત વર્ષે મોરબીનો ક્રમ 24મો હતો અને દેશમાં આ ક્રમ 207મો રહ્યો હતો. વર્ષભરના પ્રયત્નોને લીધે આ બન્નેમાં એક-એક ક્રમ આગળ લાવી શક્યા.
ઓનલાઈન ફીડબેકને લીધે માર્ક કપાયા
મોરબી પાલિકાની ડોર ટૂ ડોર કચરા ક્લેકશન, અને તેનાં નિકાલ અંગે સારી કામગીરી સામે આવી છે આ ઉપરાંત પ્લાસ્ટિક પ્રતિબંધ, ઓડીએફ સહિતનાં પગલાં પણ લેવાયા હતા.જાહેર માર્ગોની સફાઈ, અપૂરતા સફાઈ કર્મીઓ મોરબીની જનતા દ્વારા ઓનલાઇન ફીડબેક ન મળવા, કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ સહિતનાં પગલાં ન લેવાંમાં આવ્યા હોવાથી માર્ક કપાયા હોવાનું પ્રાથમિક તારણ લગાવાઈ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.