મબલખ ઉપજનો શોર્ટકટ:મોરબી તાલુકાના માથકના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી અડધા ખર્ચમાં બમણું ઉત્પાદન મેળવ્યું

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 એકર જમીનમાં પાકનો ખર્ચ 1.50 લાખ થતો, હવે 80,000

રાજય સરકાર દ્વારા ખેડૂતોને રાસાયણિક ખાતરના ઉપયોગના બદલે પ્રાકૃતિક ખેતી કરવા અપીલ કરવામાં આવે છે અને તેના માટે સરકાર દ્વારા જરૂરી તાલીમ અને આર્થિક સહાય પણ આપવામાં આવતી હોય છે, ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માથક ગામના વતની દાજીભાઇ દલુભાઇ ગોહિલ તેમની પાસેની 10 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે. પહેલા આ જમીનમાં પાક લેવા 1.50 લાખનો ખર્ચ થતો હતો જેની સામે 4 લાખની આવક મેળવતા હતા. હવે પ્રાકૃતિક ખેતીને અપનાવ્યા બાદ હાલ તેમનો ખર્ચ ઘટીને 80,000 થઇ ગયો છે. સામે રૂપિયા 4.50 લાખની આવક મેળવી રહ્યા છે.

દાજીભાઇ ગોહિલ જણાવે છે કે, આજ થી 12 વર્ષ પહેલા અખબારમાં એક જાહેરાત આવી હતી ઝીરો બજેટ ખેતીની તાલીમની, એટલે મને વિચાર આવ્યો કે, શું ખર્ચ વગરની ખેતી થઇ શકતી હશે ? જો ખર્ચ વગરની ખેતી થઇ શકતી હોય તો મોંઘા ભાવના રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ શા માટે કરવો ? એક તો ખેતીનો ખર્ચ વધી જાય અને જમીનની ફળદ્રુપતા પણ ઘટતી જાય. મારા નજીકના સગામાં નાની ઉંમરના યુવાનને બ્લડ કેન્સર જેવી ભયંકર બીમારી થઇ.

ડોક્ટરના રિપોર્ટમાં લોહીમાં ઝેર બતાવતું હતું. યુવાનોને કોઇ વ્યસન ન હોવા છતાં ઝેરી ખોરાકના કારણે બ્લડ કેન્સરથી એ યુવાનનું મૃત્યુ થયું ત્યારે નક્કી કર્યું કે, હવે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ કરવી છે. વડતાલ ખાતે સુભાષ પાલેકરજીની 7 દિવસની તાલીમ બાદ જમીનમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી.હું રાસાયણિક ખેતી કરતો તેમાં ઘણી મુશ્કેલીઓ પડતી દવા, ખાતર, ફુગનાશક અને નીંદામણનાશક દવાથી જમીનની ફળદ્રુપતા ઘટતી હતી.

અનેક પાક લેવા છતાં જમીનની ફળદ્રુપતા પણ યથાવત્ રહે છે
દાજીભાઇ જણાવે છે કે હાલ હું પ્રાકૃતિક ખેતીમાં ઘઉં, મગફળી, બાજરી, કપાસ,એરંડા,જીરું,અજમો, ધાણા, મેથી, હળદળ, વરિયાળી, મગ, તલ, તુવેર, સરગવો, શાકભાજી, શેરડી, ગાયો માટે લીલોચારો, જુવાર, રજકો, મકાઇ વગેરે પાક લઉં છું.પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઘણો જ બચી ગયો. ધરતી માતા બિમાર અને બંજર બનતી હતી તે પાછી ફળદ્રુપ અને સજીવન બની ગઇ. જમીન ખેડવાનો ખર્ચ પણ ઓછો થયો તથા વાડીમાં મધમાખી અને મિત્ર કિટકોની સંખ્યા પણ સતત વધતી જાય છે.

અન્ય સમાચારો પણ છે...