કોરોના પછી ગાડી પાટા પર:મોરબી વાસીઓએ 2022માં વાહનોની ખૂબ ખરીદી કરી; આરટીઓની આવકમાં ધરખમ વધારો

મોરબીએક મહિનો પહેલા

કોરોના પછી ગાડી પાટા પર પરત ફરી છે. બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. ત્યારે મોરબીમાં વાહન ખરીદારોની સંખ્યા સતત વધી રહી છે. 2022ના એપ્રિલથી ડિસેમ્બર 32,929 જેટલા વાહનોનું વેચાણ થયું હતું, જ્યારે 2021ના આ જ સમયગાળા દરમિયાન 28,232 વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. આમ 9 મહિનામાં 2022માં 2021ની સરખામણીમાં 16.64 ટકા એટલે કે 4,697 વાહનો વધુ વેચાયા છે. તેની સાથે જ મોરબી આરટીઓની આવકમાં પણ અંદાજે 19 કરોડથી વધુનો વધારો થયો છે.

2022માં 32,929 વાહનોનું રજિસ્ટ્રેશન
મોરબી આરટીઓની એપ્રિલથી ડિસેમ્બર સુધીની આવક અંગે વિગતવાર વાત કરતા ARTO અધિકારી રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગત વર્ષે 2021માં 28,232 જેટલા વાહનોનું વેચાણ થયું હતું જ્યારે વર્ષ 2022માં 16.64 ટકાના વધારા સાથે 32,929 જેટલા વાહનો રજિસ્ટર થયા છે. જેના કારણે જોવા જઈએ તો એપ્રિલથી ડિસેમ્બર 2021ની આરટીઓની જે આવક હતી એ 60.62 કરોડ જેવી હતી. જ્યારે એપ્રિલ થી ડિસેમ્બર 2022ની 79.65 કરોડ જેટલી છે તેથી રજીસ્ટ્રેશન ની સાથે આવકમાં પણ વધારો થયો છે. જોવા જઈએ તો ટુ વ્હીલર વાહનોમાં 18,600 જેટલા વાહનોનું વેચાણ થયું છે, 8,326 જેટલી ફોર વહીલરનું વેચાણ થયું છે. રીક્ષા 1,083, થ્રી વહીલર વુડ્સ કેટેગરી 245, ટ્રેક્ટર 1736, 357 કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટના વાહનોનું વેચાણ થયેલ છે.

63.27 કરોડ ઓનલાઈન ટ્રાન્સફર
તેમણે વધુમાં જણાવ્યું હતું કે એપ્રિલથી ડિસેમ્બર 2022માં 79 કરોડની આવક થઈ છે, તે પૈકી 63.27 કરોડની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવી છે. જેમાં ડીલર લેવલે જે પેમેન્ટ કરવામાં આવે છે તે પણ ઓનલાઇન જ થઈ જાય છે. ઉપરાંત આરટીઓના તમામ ટ્રાન્ઝેક્શન અરજદાર પોતે ઓનલાઈન ચુકવી શકે છે. આ ઉપરાંત ઈ મેમોનું પણ અરજદાર ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે.

સારથી પોર્ટલ દ્વારા કરી શકાય છે પેમેન્ટ
તેમણે જણાવ્યું કે જો તમારે ડ્રાઇવિંગ લાઈસન્સ રીન્યુ કરવું હોય અથવા તેમાં કોઈ ક્લાસનો વધારો કરવા માટે લર્નિંગ લાયસન્સ લેવું છે, અથવા લર્નિંગ લાઇસન્સ ખોવાઈ ગયું છે, અથવા તો તમારે ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ લેવું છે, ઉપરાંત વાહનની લોન રદ કરવી હોય, લોન એડ કરવી હોય, વાહન ટ્રાન્સફર કરવું હોય, ડુપ્લીકેટ આરસી બુક જોતી હોય, તો તેના માટે અરજદાર પોતાના આધાર કાર્ડનો ઉપયોગ કરીને વાહન અને સારથી પોર્ટલ પર જઈને પેમેન્ટ અથવા દસ્તાવેજો સબમિટ કરાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...