બેદરકાર તંત્ર:મોરબી નગરપાલિકા મહિને રૂ.6 લાખ વીજબિલ ભરે છતાં છેવાડાના વિસ્તારોમાં તો લબૂક ઝબૂક!

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક તરફ વીજ કટોકટીના એંધાણ વરતાઇ રહ્યા છે ત્યારે તંત્રને બચત તો સુઝતી નથી, બીજી તરફ સ્ટ્રીટલાઇટ કે હાઇમાસ્ટ રાતે જ ચાલુ થવામાં ધાંધિયા

મોરબીમાં એક તરફ તંત્ર લોકોને ગાઈ વગાડીને વીજ બચત કરવાની ડીંગ હાંકે છે. બીજી તરફ પોતે જ વીજ બચત કરવાનું ભૂલી ગયું હોય એમ લાગે છે.મોરબી પાલિકા સ્ટ્રીટલાઈટ, 10 વિસ્તારમાં હાઇમાસ્ટ ટાવરમાંથી ઘણા બધા સ્થળ પર લાઈટમાં અમુક તો 24 કલાક ચાલુ અમુક તો 24 કલાક બંધ ! જે ખુલ્લી આંખે પણ લોકોને દેખાય છે કે, જેથી મહિને લાખોના બિલ ભરે છે.

છતાં તંત્રને જાણે મોતિયો હોય એમ હજુ સુધી આ લાઈટ ન દેખાતા લોકોની કમાણી પાણીમાં ગઈ છે. રાજય સરકાર દ્વારા સ્ટ્રીટલાઈટ અંગે દરેક પાલિકા માટે એજન્સીને કોન્ટ્રાકટ આપ્યો છે. જો કે આ એજન્સીની સર્વિસ એટલી હદે ખરાબ રહી છે કે મોરબી પાલિકાએ તો કરોડો રૂપિયાની પેનલ્ટી ફટકારવી પડી છે.

કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં નગરપાલિકા નિષ્ફળ
જાહેર ચોકમાં નાખેલી હાઈમાસ્ટ લાઈટ પણ 24 કલાક ચાલુ રહે છે. તંત્રને એ લાઈટ કેમ દેખાતી નથી. આજ સુધી જવાબદાર કોન્ટ્રાકટરનો વાળ પણ વાંકો થયો નથી. શુ કામ કોન્ટ્રાકટર સામે થાબડભાણા કરવામાં આવી રહ્યા છે. જો કે વચ્ચે પાલિકાના સદસ્યોએ કોન્ટ્રાકટર સામે બંડ પોકાર્યું હતું.પણ કોન્ટ્રાકટર અને પાલિકાના શાસકોની ગૂઢ નીતિની સામે એ લોકોનો ગજ વાગ્યો ન હતો. તંત્ર તો ઠીક ખુદ મોટા મોટા પદાધિકારીઓ પણ આ બાબતે ભેદી મૌન સેવે છે.

શહેરના અલગ અલગ વિભાગમાં ટાઇમર લગાવવાની કામગીરી શરૂ કરાઇ
અગાઉ સ્ટેટની એજન્સી દ્વારા સ્ટ્રીટલાઈટ ફીટ કરી હતી અને તેના દ્વારા સીસીએમએસ લગાવી હેડ ઓફિસથી લાઈટ શરૂ, બંધ કરાતી હતી. જો કે સોફ્ટવેર ઇશ્યુ હોવાથી ફરિયાદ મળતી. હવે 72 લોકેશન પર ટાઇમર ફીટ કરી રહ્યા છીએ. માર્ગો અને હાઈમાસ્ટ ટાવરમાં ટાઇમર ફીટ થયા છે, હવે વોર્ડ વિસ્તારમાં કામગીરી ચાલી રહી છે. આગામી દિવસોમાં ત્યાં પણ સમય મુજબ સ્ટ્રીટ લાઈટ ચાલુ બંધ થવા લાગશે તેમ રોશનીશાખાના સુપરવાઇઝર પાટીલે જણાવ્યું હતું.

અમુક લાઇટસ્ 24 કલાક ચાલુ, અમુક રાતે બંધ
મોરબીમાં થોડા વર્ષો અગાઉ નગરપાલિકાએ શહેરમાં વીજ બચત કરવાના ઉદ્દેશ્ય સાથે અગાઉની સ્ટ્રીટ લાઈટ બદલીને તેની જગ્યાએ નવી એલઇડી લાઈટ નાખી હતી. કોન્ટ્રાકટર મારફત શહેરની શેરી ગલી તેમજ મુખ્યમાર્ગો ઉપર થયેલી એલઇડી લાઈટ નાખવાની કામગીરીમાં અક્ષમ્ય બેદરકારી રહી ગઈ હતી. જેમાં લાઈટ ચાલુ-બંધ કરવાની કોઈ સિસ્ટમ જ મૂકવામાં આવી નથી. આ ઉપરાંત ઘણી જગ્યાએ નાખેલી એલઇડી લાઈટ બંધ હાલતમાં છે. જેનું રિપ્લેસમેન્ટ કરાયું જ નથી. તેમજ મોટાભાગના વિસ્તારોમાં 24 કલાક આવી લાઈટો ચાલુ રહે છે. અને ઘણી જગ્યાએ રાત્રીના સમયે લાઈટો બંધ રહે છે. આ કેવી કઠણાઈ ?

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...