મોરબી પાલિકા વિસ્તારમાં આવેલી નોંધાયેલી 74 હજાર મિલકતોમાંથી 19 હજાર મિલકતધારકોએ 7.82 કરોડ જેટલો વેરો ભર્યો છે. જ્યારે હજુ પણ 50 હજારથી વધુ આસામીઓની અંદાજીત રૂ. 21.98 કરોડનો મિલકતવેરો બાકી હોઇ અને પાલિકા દ્વારા આ વેરો વસૂલવાની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે અને તેના માટે બાકી મિલ્કત ધારકોને નોટીસ ફટકારવાની કામગીરી પણ હાથ ધરાઇ છે. પ્રથમ તબક્કામાં હાલ 250થી વધુ મિલકત ધારકોને નોટીસ આપી વેરો ઉઘરાવવાની કામગીરી તેજ કરી દેવાઇ છે.
વિધાનસભા ચૂંટણીને પગલે લાગેલી આચારસંહિતાના કારણે મોરબી પાલિકામાં સુસ્તીનો માહોલ જોવા મળી રહ્યો હતો. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ આચાર સંહિતા દૂર થતાની સાથે ફરી સરકારી કચેરીઓમાં સ્ટાફને ચૂંટણી કામગીરીમાંથી મુક્તિ મળી જતા પહેલાની જેમ ધમધમવા લાગી છે. સરકારી કચેરીઓ ફરી અરજદારોથી ધમધમતી થઈ ગઇ છે. મોરબી નગર પાલિકા દ્વારા પણ ફરી નવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મોરબી પાલિકા દ્વારા ચૂંટણી પહેલા જે વેરા ઉઘરાણી થઈ હતી તે ખૂબ ઓછા પ્રમાણમાં હતી. મોરબી પાલિકામાં અંદાજીત 74 હજારથી વધુ મિલકત નોંધાયેલી છે. જેમાંથી અંદાજીત 29 કરોડનો ટેક્ષ વસૂલવાનો નીકળે છે. 7.5 મહિના દરમિયાન માત્ર 19 હજાર મિલકત ધારકોએ માત્ર 7.82 કરોડ જેટલો જ વેરો ભર્યો હતો. જ્યારે 21.98 કરોડ જેટલો વેરો વસૂલવાનો બાકી છે. હવે આ નાણાકીય વર્ષમાં માત્ર 2.5 મહિના જ બાકી રહ્યા છે અને રકમ ખૂબ મોટા પાયે વસૂલવાની હોવાથી પાલિકાએ વેરા વસૂલાત તેજ કરી દીધી છે. સાથોસાથ આસામીઓને નોટીસ ફટકારવાની પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે. પાલિકા દ્વારા 50 હજાર જેટલી નોટીસ પણ તૈયાર થઇ ચૂકી છે. જે પૈકી 250 નોટિસ અપાઇ ચૂકી છે અને સમય મર્યાદામાં ભરવાપાત્ર વેરો ભરપાઇ કરવાની જાણ કરવામાં આવી છે.
પાલિકા સુવિધા પૂરી પાડવામાં વામણી પૂરવાર થતા વેરો ભરવામાં લોકોનો નિરુત્સાહ
મોરબી પાલિકા સૌરાષ્ટ્રની મોટી પાલિકા પૈકીની એક પાલિકા છે. પાલિકા વિસ્તારમાં રોડ-રસ્તા, સફાઈ-ભૂગર્ભ સફાઇ, સ્ટ્રીટ લાઇટ, બાગ-બગીચા સહિતની તમામ કામગીરી કરી શકાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનામાંથી અબજો રૂપિયાની ગ્રાંટ ફાળવાતી હોય છે.
પરંતુ શહેરની માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં પાલિકા વર્ષોથી નિષ્ફળ રહી છે. પાલિકામાં સમયાંતરે ભાજપ અને કોંગ્રેસ બન્ને શાસન મળ્યું હોવા છતાં આ તમામ સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા છે. જે-તે કરદાતા સમયસર વેરો ભરતો હોય તેમ છતાં પોતાના વિસ્તારમાં સુવિધા ન મળવાથી નિરાશ થતા ટેક્ષ ભરવામાં નિરુત્સાહી દેખાડે છે. તો પાલિકા મોટા માથાઓના વર્ષો જૂના ટેક્ષ બાકી હોય તેની ઉઘરાણી સમયસર ન કરતી હોવાથી નાના આસામી પર સતત ભાર વધતો રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.