નલ સે જલ અભિયાન અંતર્ગત ઘર ઘર સુધી પાણી પહોંચાડવાના ઉદ્દેશ સાથે 2019માં સરકારે જલ જીવન મિશનનો પ્રારંભ કર્યો હતો. જે અંતર્ગત મોરબી જિલ્લાના 5 તાલુકાના 342 ગામડાના 1,85,100 ઘરને 100 ટકા નળ જોડાણ પૂરા પાડ્યા હોવાનો તંત્રએ દાવો કર્યો છે. જ્યારે મોરબી જિલ્લાના જ છેવાડાના તાલુકો માળિયા હાલ પાણી, રોડ અને લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાથી વંચિત છે ત્યારે આ સુવિધા અને પોતાના હક માટે ચાલતા આંદોલનના સમર્થનમાં લોકોએ સજ્જડ બંધ પાળ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા દરેક ઘરમાં નળથી જળ આપવા અને આ આયોજન 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ મોરબી જિલ્લા વહિવટી તંત્રએ મિશનના પરિણામ સ્વરૂપ મોરબી જિલ્લો ગ્રામીણ સ્તરે 100 ટકા ઘર ઘર નળ જોડાણ આપ્યું હોવાનો દાવો કરી રહ્યું છે. જોકે હકીકતમાં કેટલા ઘર નળ વિહોણા છે તે સમય આવ્યે ખ્યાલ આવશે.
તંત્રએ દાવો કર્યો છે કે મોરબી જિલ્લામાં આ યોજનાના પ્રારંભે 15 ઓગસ્ટ 2019ની સ્થિતિએ 342 ગામડાના કુલ 1,85,100 જેટલા ઘરમાંથી 1,70,747 ઘર નળ જોડાણ ધરાવતા હતા એટલે કે 92.25 ટકા નળ કનેક્શન હતા. નલ સે જલ અંતર્ગત પાણીનું જોડાણ પહોંચાડવામાં બાકી રહેલા 14,353 ઘરને કેન્દ્ર સ્થાને મૂકવામાં આવ્યા અને છેવાડાના ગામડાઓમાં પણ ઘર ઘર સુધી પાણી પહોંચાડવામાં આવ્યું.
જિલ્લાના 5 તાલુકાના 342 ગામના 1,85,100 ઘરને સો ટકા નળ જોડાણ આપવાનું આ અભિયાન સાર્થક બન્યું. નળ કનેક્શન દ્વારા પાણી સીધું પહોંચ્યું લોકોના ઘર સુધી જેથી, માથે બેડાં સાથે નારીની વ્યથા પણ હવે ભૂતકાળ બનશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.