ડ્રગ્સ માફિયા પર સકંજો:મોરબીમાં SOGએ 10 લાખના મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડ્યો; મુદ્દામાલ સાથે એકની ધરપકડ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઔદ્યોગિક નગરી મોરબી હવે નશાની નાગચૂડમાં ફસાઈ રહી છે. યુવાનો ડ્રગ્સના રવાડે ચડ્યા હોય તેવા અનેક કિસ્સા ઘણાં સમયથી નોંધાઈ રહ્યા છે. ત્યારે તાજેતરમાં SOG પોલીસે 10 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામ્યો છે.

ઘટના અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર SOG પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન ભાવેશભાઇ મિયાત્રાને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ઇસમ સામખીયાળી તરફથી ડ્રગ્સની હેરાફેરી અર્થે આવી રહ્યો છે. જેને પગલે પોલીસ કાફલો સામખીયાળી બાજુથી મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ, ભીમસર ચોકડીના ઓવરબ્રીજ પાસે પહોંચ્યો હતો. અને વોચ ગોઠવી હતી. જ્યાં દેવીલાલ મગારામ સેવર નામે એક યુવક મળી આવ્યો હતો. પોલીસે તેની પુછપરછ કરતા તેની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સનો રૂ.10 લાખની કિંમતનો 100 ગ્રામ જેટલો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે, આરોપી દેવીલાલ મુળ રાજસ્થાનના બાડમેર જિલ્લાનો વતની છે. ત્યારે પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે ગુનામાં ઉપયોગ કરેલ મોબાઈલ નંગ-1 તથા રોકડા રુપિયા 4580 મળી કુલ રૂપિયા 10,09,580નો મુદામાલ જપ્ત કરીને આરોપીને NDPS મુજબ ગુનો નોંધીને માળીયા મીયાણા પોલીસને હસ્તગત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...