ઊજળું ચિત્ર:મેઘરાજાની સમયસર મહેરથી ખેતીની સિકલ બદલાઇ, મોરબી જિલ્લામાં 1.72 લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂન મહિનો કોરો રહ્યા બાદ જુલાઇના પ્રથમ સપ્તાહમાં જ વાવણી લાયક વરસાદથી 45 ટકા વિસ્તારમાં વાવેતર થઇ ગયું, ખેડૂતો ખુશ
  • પાંચેય તાલુકામાં આગામી 10 દિવસમાં તમામ 3.25 લાખ હેક્ટર વાવેતર વિસ્તારમાં વાવણી પૂર્ણ થઇ જાય તેવી સંભાવના

મોરબી જિલ્લામાં જૂન મહિનામાં થયેલા અપુરતા વરસાદને પગલે ચોમાસુ પાકનું વાવેતર સમયસર શરૂ થઈ શકયું ન હતું. જો કે જુલાઈ મહિનામાં મોરબી જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા હોય તેમ 4થી 7 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. તો શનિવાર અને રવિવારે એમ બે દિવસ સુધી વરસાદએ વિરામ લેતા વરાપ નીકળી હતી જેના કારણે વાવણી લાયક જમીન થતા ખેડૂતો વાવણી તરફ વળ્યા છે.જિલ્લામાં ચાલુ સપ્તાહમાં 45 ટકા સુધી વાવેતર પૂર્ણ થઈ ગયું છે અને ચાલુ સપ્તાહ સુધીમાં 1.72 લાખ હેકટરમાં વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે.

આગામી દિવસોમાં આ વાવણી કામગીરી ઝડપી થશે અને આગામી 10થી 12 દિવસમાં બાકીના વિસ્તારમાં પણ વાવણી પૂર્ણ થાય તેવી સંભાવના વધી છે.મોરબી જિલ્લામાં ચોમાસાએ જૂન મહિનામાં માત્ર સમ ખાવા પૂરતા જાણે દસ્તક દીધી હોય તેમ માત્ર આખા જિલ્લામાં કુલ 165 મીમી જેટલો વરસાદ થયો હતો. જેના કારણે ચોમાસુ પાકની વાવણી થઈ શકી ન હતી.

સિંચાઇની સગવડતા ધરાવતા ખેડૂતોએ જ આગોતરા વાવણી કરી હતી જો કે જુલાઈ મહિનામાં જાણે મેઘરાજાને જાણે જિલ્લાવાસીઓ પર પ્રેમ આવ્યો હોય તેમ જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. જે બીજા સપ્તાહ સુધી ચાલુ રહી છે. જિલ્લામાં પ્રથમ 10 દિવસ દરમિયાન ધીમીધારે જિલ્લામાં 4થી લઈ 7 ઇંચ જેટલો વરસાદ વરસી જતા ખેતરોમાં પાણી આવ્યા હતા.જેના પગલે વાવણી શરૂ થઈ હતી.

જિલ્લામાં આગામી સપ્તાહમાં આ વાવેતર હજુ પણ વધશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.મોરબી જિલ્લામાં હાલ કુલ 3.25 લાખ જેટલો વાવેતર વિસ્તાર છે, જેમાંથી આજ સુધીમાં 45 ટકા જેટલું વાવેતર થઈ ચૂક્યું છે. આગામી સપ્તાહમાં વાવેતર હજુ તેજ થવાની સંભાવના છે. મોરબી જિલ્લામાં આ સપ્તાહમાં જે રીતે વરસાદ પડ્યો છે તે જોતા આગામી 10 દિવસમાં મોટા ભાગનું વાવેતર પૂર્ણ થઇ જાય તેવી પણ શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...