દુર્ઘટના:મોરબીમાં બાળકીની શ્વાસનળીમાં દવા ફસાઈ,શ્વાસ રૂંધાતા મોત, બાળકીને તાવ- ઉધરસ હોવાથી માતાએ દવા પીવડાવી હતી‎

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શ્રમિક પરિવારની 5 વર્ષની બાળાનો દવાએ જીવ લીધો‎

મોરબીમાં રહી સિરામિક યુનીટમાં કામ કરી પેટિયું રળતા શ્રમિક પરિવારની પાંચ જ વર્ષની બાળકીને શરદી અને તાવ તેમજ ઉઘરસની બીમારી હોવાથી માતાએ તેને દવા પીવડાવી હતી. એ ગોળી અન્નનળીમાં જવાને બદલે શ્વાસનળીમાં ફસાઇ ગઇ હતી અને બાળકીના શ્વાસ રૂંધાઇ જવા લાગ્યો હતો, તે કશું બોલી શકતી ન હોવાથી પરિવાર પણ આ આફત જોઇ મુંઝાયો હતો અને બાળકીને લઇ હોસ્પિટલ દોડ્યો હતો પરંતુ શ્વાસનળીમાં ફસાયેલી એ ગોળીએ બાળકીનો જીવ લઇ લીધો હતો.

મોરબીના બેલા રોડ પર આવેલ ગોડવીન સિરામિકમાં મજુરી કરતા બદ્રીલાલ વર્મા નામના પરપ્રાંતીય શ્રમિક પાંચ વર્ષની બાળકી અનન્યાને તાવ અને ઉધરસની તકલીફ હોવાથી એને માતાએ દવા પીવડાવી હતી.અકસ્માતે આ ગોળી શ્વાસનળીમાં ફસાઇ ગઈ હતી. જેમાં બાળકી શ્વાસ લઇ શકી ન હતી અને આ બાબતથી જાણ થતાં ચિંતાતુર પરિવારે બાળકીને હોસ્પિટલમાં લઇ જવા દોટ મૂકી હતી. પરિવાર કંઈ સમજે તે પહેલા બાળકીએ પ્રાણ ત્યજી દીધા હતા. બનાવ બાદ બાળકીને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરતાં પરિવાર સ્તબ્ધ બની ગયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે એડી મોત દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે વધુ તપાસ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એ એમ ઝાપડિયા ચલાવી રહ્યા છે પાંચ વર્ષની બાળકી અચાનક આ રીતે ચાલી નીકળતાં શ્રમિક પરિવારમાં શોક ની લાગણી પ્રસરી ગઇ હતી .

અન્ય સમાચારો પણ છે...