વાતાવરણમાં પલટો:મોરબી પંથકમાં માવઠાંથી ખેતરમાં તૈયાર પાકની માઠી

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી, વાંકાનેર, માળિયા, ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ, પાક પલળી ગયા, માર્ગ પર પાણી ચાલતા થયા

બંગાળની ખાડીમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા 48 કલાકથી મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટાયુ હતું.બુધવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું તો ગુરુવારે વહેલી સવારથી કમોસમી ઝાપટાં વરસ્યા હતા. મોરબી તાલુકાના બોડકી, રાજપર,કુંતાસી તેમજ માળીયા તાલુકાના અનેક ગામડામાં કમોસમી ઝાપટું વરસી ગયું હતું. અમુક ગામમાં તો શેરીઓમાંથી પાણી વહેવા લાગ્યા હતા. તો બીજી તરફ ખેતરમાં રહેલા પાક પલળી ગયો હતો. શહેરી વિસ્તારોમાં સવારથી છુટાછવાયા હળવા ઝાપટાં પડયા હતા. જેથી શહેરના માર્ગો ભીંજાયા હતા.

વરસાદના કારણે વાતાવરણમાં ઠંડીનું જોર વધ્યું હતું અને મહતમ તાપમાનમાં મોટો ઘટાડો આવ્યો હતો. બે દિવસ પહેલા શહેરનું મહતમ તાપમાંન 30 ડિગ્રી પાર કરી જતું હતું. જો કે આજે થયેલા વરસાદના કારણે મહતમ તાપમાન 27 ડિગ્રી સુધી જ નોંધાયું હતું.દિવસભર ફૂંકાયેલા ઠંડા પવનથી શહેરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. તો લઘુતમ પારો પણ 17 ડિગ્રી સુધી નોંધાયો હતો.વહેલી સવારે જોરદાર ઠંડીનો અહેસાસ થયો હતો.

યાર્ડ બે દિવસ રહેશે બંધ
હવામાન વિભાગની આગાહી મુજબ તા.19 થી તા 21 દરમિયાન ભારે કે અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની આગાહીને પગલે મોરબીના માર્કેટિંગ યાર્ડ બે દિવસ બંધ રહેશે અને આ બે દિવસ સુધી વરસાદને કારણે માલને નુકસાન ન થાય તે માટે યાર્ડમાં જણસીઓની હરરાજી સંપૂર્ણપણે ઠપ્પ રહેશે.આથી આ બે દિવસ સુધી ખેડૂતોને યાર્ડમાં માલ ન લાવવાની તાકીદ કરવામાં આવી છે.

વાંકાનેરમાં હળવા વરસાદથી વીજળી ગૂલ ખુલ્લામાં પડેલા પાકને વ્યાપક નુકસાની
વાંકાનેર પંથકમા વહેલી સવારથી જ છૂટાછવાયા છાંટા પડ્યા હતા. જ્યારે સવારે 10 વાગ્યા આસપાસ જોરદાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું અને વરસાદને પગલે શેરીઓમાં પાણી વહેતા થયા હતા. માવઠાને કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. કમોસમી વરસાદમાં પણ અનેક સોસાયટી વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. તેમજ ખુલ્લામાં પડેલા પાકને સારું એવું નુકસાન થયું છે. તસવીરો : મુકેશ પંડ્યા, કિશન પરમાર.

અન્ય સમાચારો પણ છે...