પાકને નુકસાન:માવઠાએ સર્જી દીધી મહા મુશ્કેલી; ગરમીથી લોકોને આંશિક રાહત

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ઘઉં, ચણા, જીરું, ધાણા સહિતના કૃષિપાકનું ચિત્ર બદલાયું

રાજકોટ જિલ્લાના ગોંડલના ગ્રામ્ય પંથકને તોફાની વરસાદે સતત બીજા દિવસે ધમરોળ્યો હતો અને માર્ગો પર પાણી ચાલતા થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી મોટાદડવામાં લહેરાતા ઘઉં જમીનદોસ્ત બની ગયા હતા અને બળધોઇ, ઇશ્વરીયા, કાનપર, રાજપીપલા, કરમાલ, ખારચીયા સહિતના પંથકમાં પાકને નુકસાન થયું હતું. મોરબી જિલ્લામાં હળવાભારે ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક અનુભવાઇ હતી. જિલ્લાના જબલપુર, વાંકાનેર સહિતના શહેરોમાં નાના મોટાં ઝાપટાં વરસ્યા હતા.

ખીજડિયામાં પાણી ફરી વળ્યા
મોરબી અને ટંકારામાં પઠેલા વરસાદના પગલે ખેડૂતોને છેલ્લી ઘડીએ રોવાનો વારો આવ્યો છે. ટંકારાના ખીજડિયા ગામમાં તો જાણે ચોમાસું હોય તેમ વરસાદ તૂટી પડ્યો હતો અને માર્ગો પરથી જાણે નદીઓ વહી નીકળી હતી.

શેડ તૂટી પડતા તંત્ર દોડી ગયું
શહેર આસપાસ ભારે પવન અને ધૂળની ડમરી સાથે ત્રાટકેલા વરસાદના પગલે લાલપર ગામ પાસે જૂનો પુરાણો એક પતરાંનો શેડ હતો એ ધરાશાયી થયો હતો. સદનસીબે કોઇ જાનહાનિ ન થતાં તંત્રને રાહત સાંપડી હતી. ધૂળની ડમરીએ વાહનચાલકોને પરેશાન કરી દીધા હતા.

ધાર્મિકોત્સવ ઝંખવાયો
જે પર્વની તૈયારી છેલ્લા થોડા સમયથી ચાલી રહી હતી તે હોલિકા દહન માટે છાણાં ગોઠવી દેવામાં આવ્યા હતા અને સોમવારે બપોર બાદથી માવઠાંની એન્ટ્રી થતાં અનેક સ્થળે હોળીના છાણાં પલળી ગયા હતા તો અનેક સ્થળે આયોજકો હોળીને તાલપત્રી અને પ્લાસ્ટિકની મદદથી ઢાંકવા દોડ્યા હતા. અનેક સ્થળે હોલિકા દહન થઇ શકે તેવી સ્થિતિ ન હોવાથી ભાવિકોની મુંઝવણ વધી હતી.

ગોંડલ યાર્ડમાં જણસીની આવક બંધ
હવામાન વિભાગની આગાહીના પગલે ગોંડલ યાર્ડમાં મરચાં, ધાણાં સહિતની જણસીઓની આવક બંધ કરવામાં આવી છે અને જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આવક સ્વીકારવામાં નહીં આવે તેવી જાહેરાત કરી દેવામાં આવી હોવાનું યાર્ડના ચેરમેને જણાવ્યું છે.

વળતર અને ટેકાના ભાવે ખરીદીની માંગ
ગોંડલ પંથકના ખેડૂતોના વિવિધ પાક અને જણસી પર કરા અને વરસાદના પગલે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. અને તૈયાર થયેલા રવિ પાક જેવા કે ઘઉં, જીરું, ચણા, લસણ, ડુંગળી જેવા પાકમાં ભેજ સહિતની નુકસાની જોવા મળી રહી છે ત્યારે સરકાર પાક વળતર અને ટેકાના ભાવે ખરીદી કરે તેવી માગણી ખેડૂતોમાંથી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...