શરદી ઉધરસના કેસમાં ઉછાળો:મોરબીમાં માવઠાંથી જનારોગ્યની ‘માઠી’

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમોસમી વરસાદના લીધે 15 દિવસમાં શરદી, તાવ, ઉધરસ અને ઝાડા ઊલટીના 2440 કેસ સામે આવ્યા

રાજ્યભરમાં છેલ્લા બે સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં સતત બદલાવ આવી રહ્યા છે. કોઈ દિવસે કાળઝાળ ગરમી પડે છે તો કોઈ દિવસ વાદળ છાયું વાતાવરણ સર્જાઈ રહ્યું છે .ગયા સપ્તાહે તો જિલ્લામાં કમોસમી વરસાદ પણ થયો હતો હાલ પણ કમોસમી વરસાદની આગાહી વચ્ચે વાતાવરણમાં બદલાવ આવ્યો છે.

જેની લોકોના આરોગ્ય પર અસર પડી છે. ખાસ કરીને નાના બાળકમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટી છે.બીજી તરફ ઠંડા પીણાનાં વધતાં ઉપાડના કારણે શરદી ઉધરસનાં કેસમાં વધારો થયો છે બીજી તરફ હાલ રાજ્યભરમાં H3N2 નાં કેસ પણ ઉછાળો આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં પણ શરદી ઉધરસના કેસમાં આવેલ ઉછાળાથી આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો કરી દીધો છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગના ચોપડે સિઝનલ તાવના 1310 કેસ નોંધાયા છે તો શરદી અને ઉધરસના 1139 કેસ નોંધાયા હતાં. આ સિવાય ઝાડા ઉલ્ટીના 159 કેસ નોંધાયા હતાં. જિલ્લામાં મચ્છરોના ઉપદ્રવ વચ્ચે મેલેરિયાના માત્ર 3 કેસ જ નોંધાયેલા છે. આ સિવાય મોરબીના ખાનગી ક્લિનિક, અને હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધી રહ્યો છે મેડિકલ સ્ટોરમાં પણ કફ સીરપ અને પેરાસિટામોલ સહિતની દવાઓની ડિમાન્ડ વધી છે.

સિવિલ તેમજ ખાનગી દવાખાનાઓમાં દર્દીઓનો ધસારો

શરદી, ઉધરસ વધુ સમય રહેતાં તંત્રની ચિંતા વધી
આ વખતે શરદી ઉધરસનાં કેસમાં ચિંતાજનક વાત એ રહી છે કે અગાઉ આ પ્રકારના કેસમાં એક સપ્તાહમાં લક્ષણ સંપૂર્ણ પણે ઓછા થઈ જતાં હતા. જો કે આ વખતે લક્ષણ થોડાં વધુ દિવસ રહેતા હોવાથી ચિંતાનું કારણ બન્યું છે.ખાસ કરીને દેશના H3N2નાં વધતા સંક્રમણ વચ્ચે શરદી ઉધરસનાં કેસમાં આવતા કેસને ધ્યાને લઈ જિલ્લા આરોગ્ય વિભાગ પણ સતર્ક જોવા મળી રહ્યું છે. જો કે કોરોનાના કેસ પણ સામે આવતાં ટેસ્ટિંગ વધારવા પર ભાર મુકવામાં આવનાર હોવાનું આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

તાવ,ગળામાં દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય તો હળવાશથી ન લેવું
હાલ H3N2 ચેપી રોગનો વાયરો ફેલાઇ રહ્યો છે, વર્તમાન સ્થિતિમાં આ ચેપ જોખમી નથી પરંતુ ચેપ સામે સાવધાની રાખવી જરૂરી છે અને તેનો ઈલાજ પણ ઉપલબ્ધ છે , હાલનો ચેપ ઇન્ફ્લુએન્ઝા A ના બે પેટા પ્રકારોમાં H3N2 અને H1N1 છે. જે સ્વાઈન ફ્લૂ જેવો છે આ ફ્લૂના લક્ષણો વિવિધ પ્રકારના જોવા મળે છે.

તેમાં મુખ્યત્વે તાવ, ગળામાં દુખાવો, શ્વાસ ચડવો વગેરે છે. આ ચેપી વાયરસ ઇન્ફ્લુએન્ઝા A H3N2 અંગે સમગ્ર જિલ્લાના મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર, સુપ્રિટેન્ડેન્ટ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સાથે વીડિયો કૉન્ફરન્સ મારફત બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે માહિતી આપવામાં આવી હતી.

અને સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ હતી. મોરબી જિલ્લામાં જાન્યુઆરીથી ૧૫ માર્ચ સુધી H3N2 નો એક પણ કેસ નોંધાયો નથી, તેમ મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...