તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામું:જન્માષ્ટમી પર્વે મટકીફોડનો કાર્યક્રમ યોજી શકાશે નહીં, 200 લોકોની હાજરીમાં શોભાયાત્રાને મંજૂરી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તહેવાર દરમિયાન મંદિર, જાહેર સ્થળોએ ભીડ ન કરવા આદેશ, કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું

શ્રાવણ મહિનાથી ગુજરાતમાં તહેવારોની સીઝન શરૂ થવા લાગે છે, જેમાં રક્ષા બંધન બાદ હવે સાતમ જન્માષ્ટમી ગણેશ ચતુર્થી સહિતના પર્વ આવી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે તહેવારની ઉજવણી ફિક્કી બની છે. જાહેર સ્થળ પર લોકો વધુ સંખ્યામાં એકત્ર ન થાય અને તે માટે સરકાર દ્વારા અલગ અલગ પ્રકારે પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે. એક તરફ મહાનગર પાલિકાઓમાં રાત્રી કર્ફ્યુ લગાવાયું છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીમાં યોજાતા મેળા રદ કરવામા આવ્યા છે હવે તંત્રએ વધુ એક આદેશ કર્યો છે જે મુજબ આગામી .૩૦ ઓગસ્ટના રોજ જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાત્રિના ૧૨:૦૦ કલાકે પરંપરાગત રીતે યોજાતાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી શકાશે. પણ આ ઉજવણી દરમિયાન સોશીયલ ડિસ્ટન્સીંગ તથા માસ્ક ફરજિયાત રહેશે. મંદિર પરિસરમાં એક સમયે એક સાથે મહત્તમ 200 વ્યક્તિઓ સોશીયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શન કરી શકશે.

મંદિર પરિસરમાં ફરજિયાત રીતે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન કરવાનું રહેશે તથા ગોળ કુંડાળા કરીને તેમાં ઉભા રહીને દર્શન કરવાના રહેશે. આ તહેવાર સંદર્ભે મહત્તમ 200 વ્યક્તિઓ સાથે મર્યાદિત રૂટ પર પારંપારિક રીતે નિકળતી શોભાયાત્રાઓનું મર્યાદિત વાહનોમાં આયોજન કરી શકાશે. આ ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે ધાર્મિક સ્થાનો માટેની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ તહેવાર સંદર્ભે મટકીફોડના કાર્યક્રમોનું આયોજન કરી શકાશે નહી.

4 ફૂટથી ઊંચા ગણપતિનું સ્થાપન જાહેરમાં નહીં
તા.૦૯ સપ્ટેબર થી તા.૧૯ સપ્ટેબર દરમ્યાન ગણેશ મહોત્સવમાં મહત્તમ 4 ફૂટની જ્યારે ઘરમાં મહત્તમ ૨ ફૂટની ગણેશ મૂર્તિનું સ્થાપન કરી શકાશે. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ/મંડપ શક્ય તેટલો નાનો રાખવાનો રહેશે. આયોજકો દ્વારા પંડાલ/મંડપમાં સોશીયલ ડિસ્ટન્સીંગ જળવાય તે હેતુથી યોગ્ય અંતરે ગોળ કુંડાળા કરીને દર્શનની વ્યવસ્થા કરવાની રહેશે. સાર્વજનિક ગણેશ ઉત્સવ સ્થળોએ માત્ર પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે. અન્ય કોઇ ધાર્મિક/સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાના રહેશે નહી.

ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ 15 વ્યક્તિઓની મર્યાદામાં ફક્ત એક જ વાહન મારફત સ્થાપન અને વિસર્જન કરી શકાશે. ઘર પર સ્થાપન કરવામાં આવેલા ગણેશજીનું વિસર્જન ઘરે જ કરવામાં આવે તેવી સલાહ આપવામાં આવી છે. સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવવામાં આવેલા નજીકના કૃત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે. સ્થાનિક સત્તામંડળે ગણેશ વિસર્જન માટે શક્ય તેટલા વધારે કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવાના રહેશે. કોઇ એક જ સ્થળે ભીડ એકત્રિત થાય નહી થવા દેવા આદેશ કરવામા આવ્યો છે. આ અંગે જિલ્લા કલેક્ટર જે બી પટેલે જાહેરનામું બહાર પાડી કડક અમલવારી કરવા સુચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...