મોરબીમાં છરીની અણીએ મહિલાનું અપહરણ:પ્રેમલગ્ન કરનાર મહિલાનું ડીલીવરી બાદ ઘરે જતી વેળાએ અપહરણ, પતિએ પરિણીતાના પિયરીયા સામે ફરિયાદ નોંધાવી

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી તાલુકાના બંધુનગર ગામ નજીક ખીલખીલાટ ગાડીમાં ડીલીવરી બાદ ઘરે પરત જતી મહિલાનું પિયરિયાના લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું. બનાવ મામલે પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના થાનના વતની અને હાલ વિરમગામના રહેવાસી મહેશભાઈ પ્રભુભાઈ માત્રાણીયા (ઉં.વ.21) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેને વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની યુવતી સાથે પ્રેમલગ્ન કરેલ છે. જે પત્ની પ્રેગનેન્ટ હોવાથી તા.05 સપ્ટેમ્બરના રોજ મોરબી સરકારી દવાખાને બતાવવા ગયા હતા અને ડોકટરે સીજેરીયન ડીલીવરી કરાવવાનું કહી દાખલ કર્યા હતા. તા.08 સપ્ટેમ્બરના રોજ સવારના રજા આપી હતી અને હોસ્પિટલ તરફથી ખીલખીલાટ વાન ઘરે થાન મુકવા આવવા રવાના થઇ હતી.

ખીલખીલાટ વાનમાં જતા હતા ત્યારે બંધુનગર ગામ નજીક સફેદ કલરની ઇકો કાર આવી અને વાન ઉભી રખાવી હતી. તેમજ બીજી કાળા કલરની બોલેરો અને સફેદ કલરની ગાડી પાછળ આવી જે કારમાં ફરિયાદીની પત્નીના મામા અશોકભાઈ કેશાભાઇ ધરજીયા, જીતાભાઇ કેશાભાઇ ધરજીયા, પત્નીના ફૈબાનો દીકરો વિપુલ, પત્નીના મોટા બાપુ પ્રભુભાઈ રામભાઈ રાઠોડ, સાસુ અને પત્નીના મામી તેમજ અન્ય અજાણ્યા બે-ત્રણ લોકો આવી અશોક અને વિપુલના હાથમાં છરી હતી. તે બતાવી ફરિયાદીના પત્નીને કેમ ભગાડીને લઇ ગયો, કહીને માર મારી ખીલખીલાટ વાનની ચાવી કાઢીને ત્રણ ગાડીમાં આવેલ લોકોએ પત્નીનું અપહરણ કરી ત્રણેય વાહનમાં નાસી ગયા હતા. ખીલખીલાટ વાનની ચાવી લઇ ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.

મોરબી તાલુકા પોલીસે આરોપી અશોક કેશાભાઇ ધરજીયા, જીતાભાઇ કેશાભાઇ ધરજીયા રહે બંને થાનગઢ ફરિયાદીના પત્નીના ફૈબાનો દીકરો વિપુલ રહે થાનગઢ, ફરિયાદીના પત્નીના મોટા બાપુ પ્રભુભાઈ રામભાઈ રાઠોડ, ફરિયાદીના સાસુ રહે બંને વિનયગઢ તા. વાંકાનેર તેમજ મનડાસર ગામે રહેતા ફરિયાદીના પત્નીના મામી અને બે-ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...