મંજીલે ઉનકો મિલતી હૈ જીનકે સપનોમેં જાન હોતી હૈ,
પૈરોં સે કુછ નહિ હોતા હોંસલો સે હી ઉડાન હોતી |
મોરબી જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ માત્ર મહિલાઓ જ નહી.આજના સમયમાં પોતાની પાસે સગવડતા ન હોવાનું કે સુવિધા ન હોવાનુ કારણ આપી નાની બાબતોમાં નાસીપાસ થઈ જતાં વિદ્યાર્થીઓ અને યુવાનો માટે પણ પ્રેરણા મૂર્તિ સમાન બની ગયા છે.
મોરબી જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ઇલાબેન ગોહિલ 60 ટકા દિવ્યાંગ છે. તેઓ નાળિયેરની જેમ બહારથી ભલે કઠણ કે કડક દેખાતા હોય પણ અંદરથી એટલા જ નરમ છે એનું વાસ્તવિક ઉદાહરણ એ છે કે એમની પાસે આવતા અરજદારોને શક્ય એટલી તમામ રીતે મદદરૂપ થાય છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા પિતા ગુણવંતરાય પ્રભુદાસ ગોહિલ અને માતા દિનાબેનના ઘરે તા.24.05.1979 ના રોજ ઈલાબેનનો જન્મ થયો હતો. અંદાજે દોઢ વર્ષની ઉંમરે આ દીકરીને તાવ આવ્યા બાદ પોલિયો થયો હતો જેમાં એમનું શરીર 60% ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. સુદામડા ગામની શાળામાં ધો-10 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો.તેઓ નાના હતા ત્યારે પાડોશીઓ કટાક્ષમાં કહેતા કે જે પગે ચાલી પણ નથી શકતી એને ભણાવીને શું ફાયદો?એ શું ભણવાની? પણ જવાબમાં એમના માતા-પિતા કહેતા કે અમારે અમારી દિકરીને ભણાવી ગણાવી મોટી સાહેબ બનાવવી છે.
ઈલાબેને બીએસસીનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી,બીએ વિથ સંસ્કૃત વિષય સાથે એક્સ્ટર્નલ કરતા કરતા તલાટીની પરીક્ષા પાસ કરી સાયલા તાલુકામાં જ તલાટી તરીકે નિમણુંક મેળવી સાથે સાથે જીપીએસસી પરીક્ષા તૈયારી શરૂ રાખી અને વર્ષ 2009 માં તેઓ ઉત્તીર્ણ થતા ચીફ ઓફિસર તરીકે બરવાળા અને ગાંધીનગર ફરજ બજાવી,વર્ષ 2011 થી 2015 સુધી ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીમાં ફરજ નિભાવી હતી. વર્ષ 2015 માં તાલુકા વિકાસ અધિકારી તરીકે GPSC પાસ કરી.
માતા પિતાનું સ્વપ્ન 2017માં જ થયું સાકાર
વર્ષ:- 2017 માં ઈલાબેનને સરકાર દ્વારા GAS માં પ્રમોશન સાથે ગીર સોમનાથ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણુંક મળતા દિકરીને મોટા અધિકારી બનાવવાનું માતા દિનાબેન અને પિતા ગુણવંતરાયનું સપનું દિકરી ઈલાએ સાકાર કર્યું આજે તેઓ મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કર્મને જ ધર્મ માની ફરજ બજાવી રહ્યા છે. અને ઇશ્વરે જેને બધું જ આપ્યું છે તેવા યુવાનોને નાશીપાસ ન થવા સલાહ આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.