મોરબીમાં બોગસ આધાર કાર્ડ બનાવી મહિલાના નામે રહેલી કિંમતી જમીન તેમની જાણ બહાર જ બારોબાર વેચી મારીને સાડા ત્રણ કરોડનો ચૂનો ચોપડી દેનારી ચીટર ગેંગના કારસ્તાનનો પર્દાફાશ થતાં મહિલા સહિત આઠ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.નોંધનીય છે કે જેમના નામની જમીન હતી તે મહિલાને ખબર જ નહતી કે તેમની જમીન બારોબાર વેચાઇ ગઇ છે.
મોરબીના શિવાલીક એપાર્ટમેન્ટમાં રહેતા અને ખેતીકામ કરતા ભગવાનજી ભાઈ ખીમજીભાઈ દેત્રોજા નામના વૃદ્ધને એ અંબારામભાઈ ડાયાભાઈ પટેલે વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર ૬૫૨ પૈકી ૩, સર્વે નંબર ૭૫૦ તથા સર્વે નંબર ૫૭૨ વાળી જમીન મળી કુલ જમીન ૪-૫૭-૨૯ હે.આર.ચો.મી. વેચવાની હોવાની વાત કરી હતી. ભગવાનજીભાઈને જમીન ખરીદવાની હોવાથી અંબારામભાઈનો સંપર્ક કર્યો હતો. જે બાદ ત્રણેય સર્વેની જમીન ખરીદવા રૂ.14 કરોડમાં સોદો નક્કી થયો હતો.
આ 14 કરોડના બદલામાં ફરિયાદીના ભાઈનો જેપુર ખાતે આવેલા પ્લોટ જેની કિંમત 6 કરોડ ગણવા અને તે જમીન જે જમીન વેચે છે તેમના નામે કરવા જ્યારે બાકીની રકમ પૈકી 3 કરોડ જે તે વખતે આપવા અને બીજી રકમ દસ્તાવેજ બને ત્યારે આપવા એવું નક્કી થયું હતું. જેથી ભગવાનજી ભાઈએ ટુકડે ટુકડે રૂ 3 કરોડ જમીન લે વેચ કરતા અંબારામ પટેલને આપ્યા હતા.
જો કે થોડા સમય બાદ ભગવાનજીભાઈને જાણ થઇ હતી કે તેઓ જે જમીન ખરીદી કરે છે તેના મૂળમાલિક કાંતાબેન ડાભીને તેમની જમીનનો સોદો થઈ ગયો તેની જાણ જ નથી અને જે વ્યક્તિ કાંતાબેન નામે સવિતાબેન ભગવાનજીભાઈ નકુમ ઉપરાંત સાક્ષી તરીકે સહી કરનાર પિન્ટુભાઈ નકુમ અને અલ્પેશ નકુમ હોય આ ત્રણેય આરોપીઓએ કાંતાબેન તેમજ તેમના પુત્રના નામના બોગસ આધાર કાર્ડ બનાવ્યાં હતા અને બાકીના તમામ આરોપીઓની મદદથી તેમની સાથે છેતરપિંડી કરી હતી.તેમજ જમીન સોદાખતમાં મળેલા રૂ 3.5 કરોડ જેટલી રકમ પણ એક બીજાએ ભાગ બટાઈ કરી અંગત હેતુ માટે વાપરી નાખી હતી.
ચર્ચાસ્પદ એવા બનાવ અંગે ભગવાનજીભાઈએ આરોપી અંબારામભાઇ ડાયાભાઇ પટેલ, અશોકભાઇ દામજીભાઇ કાસુન્દ્રા, ચુનીલાલ મકનભાઇ સતવારા, હરેશભાઇ ઉર્ફે હકાભાઇ નારણભાઇ જાકાસણીયા, મુકેશભાઇ નારણભાઇ કંજારીયા, સવિતાબેન ભગવાનજીભાઇ નકુમ, પીન્ટુભાઇ ભગવાનજીભાઇ નકુમ અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી તમામ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.