મેગા કેમ્પ:મોરબીમાં 301 સ્થળે ચાલશે મહાવેક્સિનેશન અભિયાન, 40 હજાર ડોઝની ફાળવણી કરાઇ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિત્તે દેશભરમાં અલગ અલગ પ્રકારના સેવાકીય કાર્યક્રમ થઈ રહ્યા છે, ત્યારે રાજયમાં તમામ જિલ્લામાં વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેથી મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોના વેક્સિનેશનનું મહા અભિયાન હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં 301 વેક્સિનેટર દ્વારા વેક્સિનેશનની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં 51 જેટલી ટીમને હાઉસ ટુ હાઉસ જઇને વેક્સિનેશનની કામગીરી પણ સોંપવામાં આવી છે.

કોરોના વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય અગ્રેસર છે અને તેમાંય મોરબી જિલ્લાની કામગીરી પણ સંતોષજનક રહી છે. આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને સમગ્ર જિલ્લામાં તમામ 5 તાલુકા અને 4 નગરપાલિકા સ્તરની કામગીરી માટે માઇક્રો લેવલની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં લોકોમાં રહેલી ધાર્મિક ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધા દૂર કરીને વેક્સિનેશનનું મહત્વ સમજાવવામાં આવશે. મોરબી જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં જોઇએ તેટલી જાગૃતિ ન હોવાને લીધે વેક્સિનેશનના ટાર્ગેટ સર કરી શકાતો નથી અને હેલ્થ અોફિસર તેમજ સ્ટાફને પગે પાણી ઉતરે છે.

આજે મોદીના જન્મદિન નિમિત્તે મહત્તમ પ્રજાને રસીથી સુરક્ષિત બનાવવાની નેમ સાથે ટીમ મેદાનમાં ઉતરશે. સમગ્ર કામગીરી માટે સમગ્ર જિલ્લામાં 301 જેટલા વેક્સિનેશન સેન્ટરમાં તાલુકાઓમાં 245 અને નગરપાલિકા વિસ્તારમાં 56 વેક્સિનેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 12 જેટલાં મોબાઇલ વેક્સિનેટરની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જિલ્લામાં 51 જેટલી ટીમને હાઉસ ટુ હાઉસ ની કામગીરી પણ સોંપવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા 40 હજાર જેટલા વેક્સિનના ડોઝ પણ ફાળવવામાં આવ્યા છે. હાલે સમગ્ર મોરબી જિલ્લામાં 67 % વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી હોવાનું કલેકટર જે.બી.પટેલે જણાવ્યું હતું.

કેમ્પના આગળના દિવસે તંત્રે વેક્સિનેશન ઘટાડી નાખ્યું
​​​​​​​આજે મોદીના જન્મદિવસે મેગા વેક્સિનેશન કેમ્પ યોજી જિલ્લાની મહત્તમ પ્રજાને રસીથી સુરક્ષિત કરવાની અગાઉથી કરવામાં આવેલી જાહેરાતના અનુસંધાને ગુરુવારે અારોગ્ય વિભાગે વેક્સિનેશન ઘટાડી નાખ્યું હતું અને દરરોજ આવતા નિશ્ચિત ડોઝને બચાવીને રાખ્યા હતા. દરરોજ મોરબી જિલ્લાને અંદાજે 6,000 ડોઝ ફાળવવામાં આવે છે પરંતુ ગુરુવારે માત્ર 563 લોકોને જ રસી આપીને બાકીના ડોઝ આરોગ્ય વિભાગે બચાવીને રાખ્યા છે જેથી શુક્રવારે જો વધુ લોકો ઉમટે અને રસી આપવાની થાય તો ડોઝના અભાવે લોકોને ધક્કો ન થાય અને પાછા ન જવું પડે.

અન્ય સમાચારો પણ છે...