આરોપીની ધરપકડ:મોરબીમાં યુવતીનું ફેક ID બનાવી બીભત્સ ફોટો વહેતા કરી દીધા

મોરબી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહેનની સાથે અગાઉ એક જ ઓફિસમાં કામ કરતા શખ્સે જ આ કારસ્તાન આચર્યું

મોરબીની એક યુવતીના ફોટા પર એક શખ્સે બીજા ફોટા મૂકી દીધા હતા અને તેનું ફેક આઇડી બનાવી બિભતસ ફોટો જાહેર કરી દઇને યુવકે એક યુવતીનું જીવન બરબાદ કરવાનો અત્યંત હીન પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે આરોપી વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.અને આરોપીને ઝડપી લઈ તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. યુવતીનું ફેક આઇડી બનાવનાર શખ્સ અગાઉ તેની બહેન ઓફિસમાં જ કામ કરતો હોય અને તેમનાં પરિવારના સભ્યોને પણ જાણતા હોવાનું સામે આવ્યું છે.

મોરબીમાં રહેતી યુવતી મૂળ હળવદના કીડી ગામના વતની અને મહેન્દ્રનગરના ધાવડીમાં રહેતા અજય મણીલાલ પાંચોટીયા નામના શખ્સે ફોન પર તેમજ રૂબરૂમાં તેને અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ યુવતીની બહેનના નામનું સોશ્યલ મીડિયામાં ફેક આઈડી બનાવ્યું હતું અને યુવતીના ફોટો મૂકી બીભત્સ લખાણ લખી જાહેર કર્યું હતું.

ઉપરાંત યુવતીના ચહેરાને મોર્ફ કરી બીજા કોઈના ફોટામાં લગાવી બદનામ કરવાના ઈરાદે વાયરલ કર્યા હતા. આ અંગે યુવતીને જાણ થતા તેને પરિવારને જાણ કરતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપી અજય મણીલાલ પાંચોટિયાને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટનામાં આરોપી અજય જે યુવતીના ફોટો વાયરલ કર્યા હતા તેની બહેન સાથે એક ઓફિસમાં નોકરી કરતો હતો જોકે તેના લક્ષણ બરાબર ન હોવાથી યુવતીએ આ અંગેની જાણ તેના પરિવારજનોને કરી હતી, જે બાદ તે અંગે સમજાવટ કરી હતી પણ આરોપીએ જે તે વખતે આખા પરીવારને મારી નાખવાની ધમકી આપી હતી.

જોકે વાત આગળ વધતા યુવતીના પરિજનોએ સમાજના આગેવાનોને સાથે રાખી સમજાવટ કરી હોવા છતાં આરોપી માન્યો ન હતો અને આરોપીએ તેની સાથે કામ કરતી યુવતીની બહેનની સગાઈ તોડવા અને સમાજમાં બદનામ કરવા અન્ય ફેક આઇડી બનાવી તેમાં ફરીયાદી યુવતીની બહેનના ફોટો વાયરલ કર્યા હતા તેનાથી પણ આરોપીને સંતોશ ન થતા ફરી બીજા બે આઇડી બનાવી ફોટો અન્ય પ્લેટફોર્મમાં પણ વાયરલ કરી દીધા હોવાનું પણ પોલીસની તપાસમાં સામે આવ્યું છે.

બનાવની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરી કેટલા આવા આઇડી બનાવ્યા છે તેની સાથે બીજા કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે તેમજ આ ફેક આઈડી તેમજ તેમાંથી થયેલી પોસ્ટ પણ દૂર કરવા તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે વધુ તપાસ એ ડિવિઝન પી આઈ એમ. પી. પંડયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...