• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Liquor Was Found On Opening The Parcel At The Factory; The Owner Filed A Police Complaint, 360 Units Of English Liquor Seized

દારૂબંધીના લીરેલીરા ઉડ્યા:ફેક્ટરીમાં આવેલું પાર્સલ ખોલતા દારૂ મળ્યો; માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી, 360 નંગ ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ટંકારાના વીરપર નજીક ફેકટરીમાં આવેલું પાર્સલ ખોલતા ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો છે. નકલી બિલના આધારે દારૂની હેરાફેરીનો પર્દાફાશ થવા પામ્યો છે. ટંકારા પોલીસે ઈંગ્લીશ દારૂની 360 બોટલનો જથ્થો જપ્ત કરીને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક લોટસ એપાર્ટમેન્ટના રહેવાસી જીતેન્દ્રભાઈ રસિકલાલ ગડારાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ વીરપર ગામ પાસે GIDCમાં એશિયન ફ્લેકસીપેક ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કારખાનું ચલાવે છે. તેમના કારખાને પાર્સલ આવ્યું જેમાં ખોટું બિલ બનાવી રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂ વેચાણ કરવાના ઈરાદે ટ્રાન્સપોર્ટ દ્વારા ઈંગ્લીશ દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો. પાર્સલમાંથી ઈંગ્લીશ દારૂની 360 બોટલનો જથ્થો મળી આવ્યાની ફરિયાદ પણ તેમણે નોંધાવી છે.

ફરિયાદમાં જીતેન્દ્રભાઈ ગડારાએ વધુ જણાવ્યું કે, તેઓ પોતાની ફેકટરીમાં હાજર હતા ત્યારે બપોરે અવિનાશ કાર્ગો પ્રાઈવેટ લિમિટેડ નામના ટ્રાન્સપોર્ટમાંથી તેમની કંપનીમાં છ બોક્સનું પાર્સલ આવ્યું હતું. જે પાર્સલ કંપનીના ગેટ કિપર દુષ્યંતભાઈ વાઢેરે સ્વીકાર્યું અને વિવિધ વિભાગમાં પાર્સલ બાબતે પૂછતાં વિભાગમાંથી પાર્સલ કોઈએ મંગાવેલ ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ફરિયાદી જીતેન્દ્રભાઈએ ગેટ પાસે જઈને ગેટ કિપર પાસે પાર્સલનું ટેક્સ ઇન્વોઇસ અને ટ્રાન્સપોર્ટની એલ.આર કોપી માંગી હતી. એલ.આર કોપી અવિનાશ કાર્ગો પ્રાઈવેટ લિમિટેડ નામની અને ટેક્સ ઇન્વોઇસમાં કન્સાઈનર તરીકે મહાલાસા એન્ટરપ્રાઈઝ ગોવા વાળાનું હોવાનું જાણવા મળ્યું.

પાર્સલ શંકાસ્પદ લાગતા પાર્સલના બોક્સમાંથી એક બોક્સ ખોલીને જોતા ઈંગ્લીશ દારૂની બોટલ હોવાનું જાણવા મળતા પોલીસને જાણ કરવામાં આવી અને પાર્સલમાંથી વિવિધ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 360 નંગ બોટલ મળી આવી. પોલીસે રૂપિયા 70,080નો મુદ્દામાલ જપ્ત કરી અને આરોપી મિલન ફૂલતરીયા વિરુદ્ધ કંપનીના નામનું ખોટું બિલ બનાવી દારૂ વેચાણ કરવાના ઈરાદે ટ્રાન્સપોર્ટ દ્વારા હેરાફેરી કર્યાની ફરિયાદ નોંધી છે. ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...