મોરબી એ-ડિવિઝન પોલીસમાં વ્યાજની પઠાણી ઉધરાણી કરનાર વ્યાજખોરો સામે ત્રણ અલગ અલગ ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આઠ વ્યાજખોરોને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ મોરબી પાસેથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર પલ્ટી મારી જતાં રોડ ઉપર દારૂની રેલમછેલ થઇ હતી.
વ્યાજખોરોના ત્રાસની ત્રણ ફરિયાદ મામલે આઠ આરોપી ઝડપાયા
મળતી માહિતી મુજબ, મોરબી એ-ડિવિઝન પોલીસ મથકના તગડું વ્યાજ લઈને વ્યાજની પઠાણી ઉધરાણી કરવા મામલે ત્રણ અલગ અલગ ગુન્હા નોંધાયા હતા. જેમાં પ્રથમ ફરિયાદી પ્રદીપભાઈ કેશવજીભાઇ પરમાર, બીજા ફરિયાદી બીજા મણીબેન ચંદુભાઈ લાલવાણી અને ત્રીજા બનાવમાં ફરિયાદી મહાવીરભાઇ નરેન્દ્રભાઈ વૈષ્ણવ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. જે મામલે એ-ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી આરોપી શક્તિસિંહ દિલીપસિંહ ઝાલા, ભાવેશભાઈ હરેશભાઈ ચાવડા, દર્શનભાઈ જેઠાભાઈ પરમાર, મયુરભાઈ નરસંગભાઈ વીરડા, મહેશભાઈ ચેતનદસ અમલાણી, સલીમભાઈ દિનમહમદભાઈ બગથરીયા, કમલેશભાઈ વસંતભાઈ પોપટ અને જયરાજભાઈ જીવનભાઈ સવસેટાને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિદેશી દારૂ ભરેલી ઇકો પલ્ટી મારતાં રોડ ઉપર દારૂની રેલમછેલ
મોરબી પાસેથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર પલ્ટી મારી જતાં રોડ ઉપર દારૂની રેલમછેલ થઇ હતી. આ વેળાએ લોકોના ટોળા એકત્રિત થઇ જતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. બનાવની મળતી વિગત, મુજબ મોરબી હળવદ રોડ ઉપર નીચી માંડલ પાસે રાત્રીના સમયે ઇકો કાર કોઈ કારણસર પલ્ટી મારી ગઈ હતી. જેમાં ઇકો કાર રોડ નજીકના ખાડામાં ઉતરી જતાં મોટા પ્રમાણમાં નુકસાની થઇ હતી. આ કારમાં વિદેશી દારૂની બોટલો ભરી હતી, જેથી આજુબાજુની જગ્યામાં બોટલો રઝળતી જોવા મળી હતી.
અકસ્માત સર્જાતા ઇકો ચાલકને ઈજાઓ પહોંચી હતી. જે બેભાન હાલતમાં જોવા મળ્યો હતો. જેથી તેને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વધુમાં અકસ્માતને પગલે લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પણ આજુબાજુ દારૂની બોટલો જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ અંગે તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને દારૂનો જથ્થો ક્યાંથી કયાં જતો હતો તેની તપાસ હાથ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.