મોરબી એલસીબીએ 33.12 લાખની કિમંતની 6960 વિદેશી દારૂની બોટલો સાથે એક રાજસ્થાની શખ્સને ઝડપી પાડ્યો છે. તો બીજા બનાવમાં 15.19 લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં રામદેવ હોટેલ પાસેથી શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતાં 6960 દારૂની બોટલ મળી આવતા પોલીસે ચાલક પુનમરામ લાલારામ જાખડને ઝડપી લીધો હતો.
તેમજ આરોપી પાસેથી 33.12 લાખની કિંમતના વિદેશી દારૂની 6960 બોટલ, ટ્રક, 10 ટન માટી તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 43.17 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ઝડપાયેલ દારૂનો જથ્થો તેમજ આરોપીને માળિયા પોલીસ હવાલે કર્યા હતા.
અન્ય એક દરોડામાં એલસીબીએ રા જકોટમાં રહેતા ફીરોજ હાસમભાઇ મેણુ તથા તેનો ભાગીદાર ધવલ રસીકભાઇ સાવલીયા બેલાગામની સીમમાં આવેલ સાંઇ ઇન્ડસ્ટ્રીમાં આવેલ પવનસુત ઓફસેટ પ્લોટ નંબર 02 ગોડાઉનમાં દારૂ લાવ્યા છે તેવી બાતમીના આધારે દરોડો પાડતા રૂપિયા પાંચ લાખની પીકઅપ વાન, વિદેશી દારૂની રૂપિયા 15.19 લાખની કિંમતની 3780 બોટલો મળી આવી હતી. જ્યારે આરોપીઓ સ્થળ પર હાજર ન હોવાથી પોલીસે દારૂની બોટલ અને બોલેરો પીકઅપ વાન સહિત રૂપિયા 20.19 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
માળિયા મિયાણામાં 1.59 કરોડના દારૂનો નાશ કરાયો
મોરબી | જિલ્લા પોલીસ દ્વારા દારૂબંધી અંતર્ગત માળીયા મીયાણા વિસ્તારમાં મે-૨૦૧૫ થી ઓકટોબર-૨૦૨૨ સુધીના અલગ અલગ ગુનામા પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવાની કોર્ટની મંજૂરી મળતા કુલ 40 ગુનાની રૂ 1,59,78,529 ની કિંમતના 50,847 જેટલી વિદેશી દારૂની બોટલોનો નાશ કરાયો હતો. આ તકે સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ એચ.કે. આચાર્ય તથા નાયબ પોલીસ અધીક્ષક પી.એ.ઝાલા તથા નશાબંધી અને આબકારી વિભાગ સબ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌહાણ સહિતના હાજર રહયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.