પાલિકા પ્રમુખની નિષ્ક્રિયતા:વિકાસના રોડ મેપ સમાન બજેટ જાહેર કરવામાં આળસ, તો મોરબી પાલિકા કામ ક્યારે કરશે?

મોરબી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ચ મહિનાનું એક સપ્તાહ વીતી જવા છતાં નગરપાલિકા હજુ બજેટ મંજૂર કરવા સામાન્ય સભા ન બોલાવી શકી
  • પાલિકા પ્રમુખની નિષ્ક્રિયતા અને આંતરિક જૂથવાદ વકર્યો હોવાની ચર્ચા વચ્ચે લોકોના જ કામ ચડે છે ટલ્લે

કેન્દ્ર અને રાજ્ય સરકારનું બજેટ ફેબ્રુઆરીમાં મંજુર થઈ જતું હોય છે અને આ બજેટ મંજૂર થવાની સાથે વિવિધ પાલિકા અને મહાનગરપાલિકામાં સામાન્ય સભા બોલાવી બજેટ મંજૂર કરાતું હોય છે. જનરલ બોર્ડમાં બજેટ મંજૂર કરાવી કારોબારી સમિતિ સમક્ષ સુધાર માટે મોકલી દીધા હોય છે. કારોબારી સમિતિ સુધારા દર્શાવી મંજૂરી આપે છે અને બાદમાં 1 એપ્રિલથી અમલવારી શરુ થઇ જતી હોય છે. જો કે મોરબી પાલિકામાં લાંબા સમયથી આવી પરંપરા ચાલી આવે છે કે મોડું બજેટ તૈયાર કરવું અને જૂના બજેટના આધારે નવું બજેટ ઉભું કરી દઈ ઉતાવળે સામાન્ય સભામાં મૂકી દેવામાં આવે છે.

અને ચર્ચા વિના મંજૂરીની મહોર મારી દેવામાં આવે છે. મોરબી પાલિકાની નવી બોડીને પણ આજ પરંપરા જાળવી રાખવી હોય એમ માર્ચ મહિનો શરુ થયાના સપ્તાહ જેટલો સમય વિત્યા છતા હજુ સામાન્ય સભા મળવાના કોઈ અણસાર જોવા મળતા નથી.પાલિકાના સ્ટાફ દ્વારા તો બજેટની કામગીરી ઘણા સમય પહેલા પૂર્ણ કરી દેવાઈ છે.

હવે પાલિકા પ્રમુખ જનરલ બોર્ડ બોલાવે ત્યાર બાદ તેને મંજૂરી મળતી હોય છે. જો કે પાલિકામાં ભાજપના 52 સભ્યો હોવા છતા શા માટે ચૂંટાયા બાદ માત્ર પ્રથમ જનરલ બોર્ડ અને કારોબારી સમિતિની નિમણુક કરવા માટે એમ બે જનરલ બોર્ડ મળ્યા બાદ નવું જનરલ બોર્ડ બોલાવવાની પાલિકા પ્રમુખ દ્વારા તસ્દી જ લેવામાં આવી નથી. શહેર ભાજપ સબસલામતના દાવા કરી રહ્યું છે પણ પાલિકામાં ચુંટાયેલા સભ્યો વચ્ચે ક્યાંકને કયાંક આંતરિક જૂથવાદ ઘર કરી ગયો હોય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

અને આ જૂથવાદ પાલિકાની સામાન્ય સભામાં ક્યાંક સામે આવી જવાની પણ આશંકા વચ્ચે પાલિકાના સત્તાધીશોએ શહેરના વિકાસ કામના રોડ મેપ સમાન વાર્ષિક બજેટ મંજૂર કરવામાં રસ ન દાખવતા હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે.

બજેટ માટે તારીખ નક્કી નથી, સોમવારે નિર્ણય
નાણાકીય વર્ષના ખર્ચ,આવકનું અંદાજપત્ર તેમજ વિકાસ કામ માટેની જોગવાઈ બાબતની રૂપરેખા તૈયાર થઇ ચુકી છે. જો કે તે અંગે સામાન્ય સભા અંગે નિર્ણય લેવાયો નથી. સોમવારે ચર્ચા કરી સામાન્ય સભાની તારીખ અંગે જાણ કરાશે. -જયરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ, નગરપાલિકા

વિધાનસભા ચૂંટણીને લીધે વિકાસ કામ અટકી પડશે
રાજ્ય સરકારની ડિસેમ્બર 2022માં મુદત પૂર્ણ થવાની છે અને પહેલા જો ચૂંટણીની જાહેરાત થશે તો આચારસંહિતા લાગુ થઈ જશે પરિણામે વિકાસ કામને બ્રેક લાગી શકે છે.જો પાલિકા વહેલી તકે બજેટ મંજૂર નહિ કરે તો જ્યાં સુધીમાં કામગીરી પાટે ચઢશે ત્યાં સુધીમાં ચૂંટણી નજીક આવી જશે અને કામગીરી ફરી ખોરંભે ચઢશે, આમ લોકોના ભાગે જ ભોગવવાનું આવશે.

અન્ય સમાચારો પણ છે...