કિસાન સન્માન નીધિ યોજના:3 વાર મુદત વધી છતાં મોરબી જિલ્લાના 56,575 ખેડૂતના KYC અપડેશન બાકી

મોરબી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કિસાન સન્માન નીધિ યોજનાના લાભ માટે કુલ 1.02 લાખમાંથી 45,552 ખેડૂતે અપડેશન કર્યું

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધિના ભાગરૂપે ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા, 2 હજારના ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે. રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા આ કિસાન સમ્માન નિધિ યોગ્ય અને પાત્રતા ધરાવતા જરૂરિયાતમંદ ખેડૂતોને મળી રહે તે માટે સમયાંતરે અલગ પ્રકારની માહિતી અપડેટ કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ જે ખેડૂતોને ભૂતકાળમાં કિસાન સમ્માન નિધિનો લાભ મળ્યો છે તેવા ખેડૂતોની માહિતી અપડેટ કરવા ઇ કેવાયસીની પ્રકિયા કરવામાં આવી રહી છે.

આ માટે ખેડૂતો તેના મોબાઈલ પર આધાર નંબરના આધારે જ આ માહિતી અપડેટ કરી શકે તેવી સુવિધા આપવામાં આવી હોવા છતાં ખેડૂતોમાં આ માહિતી અપડેટ કરવામાં આળસ અથવા જાણકારીનો અભાવ હોય તેમ સરકાર દ્વારા કેવાયસી માટે ત્રણ વખત મુદત વધારવામાં આવી હોવા છતાં માત્ર 44 ટકા જેટલા ખેડૂતોએ જ પોતાનું ઇકેવાયસી અપડેટ કર્યું છે.

મોરબી જિલ્લામાં કુલ અગાઉ નોંધાયેલા 1,02,127 ખેડૂતોમાંથી માત્ર 45,552 જેટલા ખેડૂતો એ જ પોતાનુ ઇ કેવાયસી અપડેટ કરાવ્યું હતું. જ્યારે 56,575 જેટલા ખેડૂતોએ પોતાનું કેવાયસી અપડેટ કરાવ્યું નથી.આગામી સમયમાં જ્યારે સરકાર દ્વારા કિસાન સમ્માન નિધિનો હપ્તો ખાતામા જમા કરાવશે, ત્યારે જે ખેડૂતનું kyc અપડેટ હશે તેના ખાતામાં જ રૂ.2000નો હપ્તો જમા થશે, જ્યાં સુધી આ માહિતી અપડેટ નહિ થાય ત્યાં સુધી નવો હપ્તો જમાં નહિ થાય.

સહાય આવ્યા પછી અપડેટ થશે તો હપ્તો ગુમાવવો પડશે
ઉપરાંત સરકાર દ્વારા સહાયનો હપ્તો જમા કરાવ્યો હશે અને પછીથી કેવાઇસી અપડેટ કરવામાં આવશે તો આ હપ્તો પણ ગુમાવવો પડે તેવી સંભાવના સેવાઈ રહી છે. મોરબી જિલ્લાના 1.02 લાખ ખેડૂતો નોંધાયેલા છે જેમાંથી માત્ર 45 હજાર જ ખેડૂતોએ જ રજિસ્ટ્રેશન કર્યું છે તો 55 હજાર ખેડૂત બાકી છે. જેથી બાકી રહેતા તમામ ખેડૂતો વહેલી તકે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરે તેવી અપીલ કરવામાં આવે છે તેમ જિલ્લાના ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણે જણાવ્યું હતું.

આ રીતે ઇકેવાયસી અપડેટ કરી શકાશે

  • ગુગલ પર pm-kisan સર્ચ કરી pm-kisan smman nidhi વેબ પેજ ઓપન કરવુ, બાદ ખેડૂતે પોતાનો આધાર નંબર નાખવાનો રહેશે.
  • આધાર નંબર એન્ટર કરતા રજીસ્ટર મોબાઇલ નંબરમા ઓટીપી આવશે જે ઓટીપી નાખતા રજિસ્ટ્રેશન પ્રક્રિયા આગળ વધશે. અહીં જરૂરી માહિતી એન્ટર કરી સબમિટ કરવાનું રહેશે.
અન્ય સમાચારો પણ છે...