જે બેઠકના કોંગ્રેસના ઉમેદવારના નામની જાહેરાત માટે છેલ્લા ઘણા સમયથી સસ્પેન્સ સર્જાયું હતું એ કોંગ્રેસની કશ્મકશનો આખરે અંત આવ્યો છે અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઇ જેરામભાઇ પટેલને ટિકિટ આપી ભાજપના કાંતિલાલ અમૃતિયા સામે મેદાને ઉતાર્યા છે.
મોરબી સહિત રાજ્યની 182 બેઠક માટે ચૂંટણી જાહેર થયા બાદથી રાજ્યમાં ચૂંટણીગત ગરમાવો જામી ગયો છે. મોરબીના કાંતિ અમૃતિયા, વાંકાનેરના મોહમ્મદ જાવેદ પીરજાદાએ ફોર્મ જમા કરાવી દીધાં છે તો ટંકારાના બન્ને મુખ્ય ઉમેદવારો આજે સોમવારે ફોર્મ જમા કરાવશે.
મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે છેલ્લા તારીખથી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તારીખ ૧૧ સુધીમાં કુલ 223 ફોર્મ ઉપડયા હતા, જેમાં મોરબીમાં 95,ટંકારામાં 41 અને વાંકાનેરમાં 87 ફોર્મ ઉપડયા હતા. સામે પક્ષે મોરબીમાં 8 વાંકાનેરમાં 13 અને ટંકારામાં 4 ફોર્મ મળી કુલ 25 ફોર્મ જમા કરાવામાં આવ્યા છે. સોમવાર ફોર્મ જમા કરાવવાનો અંતિમ દિવસ હોય અને ભાજપ કોંગ્રેસના મોટા ભાગના ઉમેદવારના ફોર્મ જમા કરાવવાના હોય જેથી અંતિમ દિવસે ફોર્મ ભરવા રીતસર લાઈનો લાગશે તેવી સંભાવના વધી છે.
બીજી તરફ રાજકોટ જિલ્લાની ચાર બેઠકની વાત કરીએ તો ગોંડલમાંથી અત્યાર સુધીમાં 46 ફોર્મ ઉપડી ચૂક્યા છે અને 3 ભરાયા છે. જેતપુરમાં 31 ઉપડ્યા અને 2 જ ભરાયાં, ધોરાજીમાંથી 40 ફોર્મ દાવેદારોએ મેળવ્યા છે અને 6 ભરી દેવાયા છે તો જસદણ બેઠક માટે પણ 46 ફોર્મ ઉપડ્યા છે અને ચાર વ્યક્તિએ ફોર્મ ભરીને પરત આપી દીધા છે.
વિલંબના સંભવિત કારણો
મોરબી માળિયા બેઠક પર લાંબુ સસ્પેન્સ સર્જાયું હતું અને હાઇકમાન્ડ શા માટે અને ક્યાં અટકે છે તેની જોરશોરથી ચર્ચા સ્થાનિક સ્તરે ચાલતી હતી. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ જિલ્લા પંચાયતના પ્રમુખે પણ આ બેઠક માટે દાવેદારી કરી હતી પરંતુ અંદરખાને કાર્યકરોમાં અને મોવડી મંડળમાં તેમની વારંવાર પક્ષ પલટો કરવાની ટેવ, પાર્ટી લાઇનમાં ન રહેવાની જીદ અને કોઇ પણ ભોગે દબાણ ઉભું કરી કામ કઢાવવાની નીતિ સામે અસંતોષ હતો.
બીજી તરફ તેમને ટિકિટ આપવાથી થનારા ફાયદા કરતાં માળિયામાં થનારા સંભવિત નુકસાનની અસર ઓછી હોવાનું લાગતાં અંતે મોવડી મંડળે જયંતિભાઇ પર પસંદગી ઉતારી દીધી હતી. નોંધનીય છે કે જયંતિભાઇ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, ચેમ્બર પ્રમુખ તરીકે કાર્યરત છે. જેઓ આજે હવે વિધિવત ચૂંટણીમાં દાવેદારી નોંધાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.