મોરબી LCB પોલીસે ફરાર હત્યારાને પકડી પાડ્યો:ભરૂચ જિલ્લામાં લૂંટના ઈરાદે ઘુસી ત્રણ સિક્યુરીટીને મોતને ઘાટ ઉતરનાર ઇસમ ઝડપાયો

મોરબી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ વિસ્તારમાં આવેલા કંપનીમાં લૂંટ/ધાડ કરવાના ઈરાદે ટોળું ઘુસી ગયું હતું અને હથિયારો વડે સિક્યુરીટીમેન પર હુમલો કરી ત્રણના મોત નીપજાવ્યા હતા. તેમજ બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. જે બનાવમાં છ ઈસમો નાસ્તા ફરતા હોય જેમાંથી એક આરોપીને મોરબી એલસીબી ટીમે ઝડપી લીધો છે.

ગત તા. 18/09/2019ના રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં કોસંબા રોડ પર આવેલા પી.જી ગ્લાસ કંપનીમાં મોડી રાત્રીના આશરે 25થી 30 જેટલા ઇસમોએ પાઈપ, લાકડી, ધારિયા જેવા હથિયારો સાથે લૂંટ અને ધાડ કરવાના ઈરાદે પ્રવેશ કરી મારામારી કરી મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી અને સિક્યુરીટી ગાર્ડને કંપનીની રૂમમાં બંધક બનાવી માર મારતા ત્રણના મોત થયા હતા. બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ ગુનામાં કુલ 06 આરોપી ફરાર દર્શાવ્યા હતા.

જે નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આરોપી કરણ ઉર્ફે કરણીયો માધુભાઈ કાવીઠીયા (રહે રોજીત તા. બરવાળા) મોરબીના જેતપર રોડ પર આવેલા એન્ટિલા સિરામિકમાં મજુરી કરતો હોવાની બાતમી મળતા મોરબી એલસીબી ટીમે સ્થળ પર તપાસ કરતા આરોપી કરણ કાવીઠીયાને ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસને સોપવામાં આવ્યો છે. જે આરોપીનો કબજો સોંપવા અંકલેશ્વર ભરૂચ પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી છે.

જે કામગીરીમાં એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ, પીએસઆઈ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, નારણ મંઢ, નીરવ મકવાણા, ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર સહિતની ટીમ જોડાયેલી હતી.

અન્ય સમાચારો પણ છે...