મોરબીમાં વર્ષ 2017માં સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી જનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ અંગેનો કેસ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવીને પાંચ વર્ષની સજા અને રૂ. 5000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
જે કેસની વિગતો જોઈએ તો, મોરબી નજીકની રહેવાસી યુવતી વર્ષ 2017માં 16 વર્ષની હતી ત્યારે ધોરણ 10માં અભ્યાસ કરતી હતી અને ટ્યુશનમાં પણ જતી હતી. ત્યારે આદીલ ગફાર સોલંકીના પરિચયમાં આવ્યા બાદ તા. 31/01/2017ના રોજ આરોપી આદીલ સોલંકી સગીરાનું અપહરણ કરી લઈ ગયો હતો. જે બનાવ મામલે ભોગ બનનાર સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી અને સગીરાને યુવક સાથે પ્રેમસંબંધ હોવાથી તેની સાથે ગઈ હતી. બંનેએ શારીરિક સંબંધ પણ બાંધ્યો નહતો તેવું નિવેદન નોંધાવ્યું હતુ.
જે અપહરણની ફરિયાદને પગલે બી-ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને કોર્ટમાં કેસ ચાલી જતા આજે મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં સરકારી વકીલ વિજયભાઈ જાનીની દલીલો તેમજ 18 મૌખિક પુરાવા અને 24 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને કોર્ટે આરોપી આદીલ ગફાર સોલંકીને દોષિત ઠેરવ્યો હતો. જેમાં આઈપીસી કલમ 363 હેઠળ 3 વર્ષની સજા અને 2000 રૂ. દંડ તેમજ આઈપીસી કલમ 366ના ગુનામાં 5 વર્ષની સજા અને 3 હજાર દંડ ફટકારી બંને સજા સાથે ભોગવવા હુકમ કરવામાં આવ્યો હતો. જેથી આરોપીને કુલ પાંચ વર્ષની કેદની સજા અને પાંચ હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.