તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપીલ:નકલી રેમડેસિવિરથી કોઈનું મોત થયું હોય તો પોલીસને જાણ કરો

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નકલી રેમડેસિવિર ઇન્જેક્શન આપવાથી દર્દીઓના મૃત્યુ થયાની પોલીસને આશંકા

મોરબી જિલ્લા પોલીસે એપ્રિલના છેલ્લા દિવસે મીઠું અને ગ્લુકોઝ પાવડરનું મિશ્રણ કરી નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવી તેનું ઉંચી કિંમતે વેચાણ કરી તગડી કમાણીનું મસમોટું અને રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપી લીધું છે, તેની ઝીણવટભરી તપાસ એમપી, મુંબઇ અને અલગ અલગ જિલ્લાઓની પોલીસની મદદથી ચાલી રહી છે ત્યારે આ નકલી ઇન્જેક્શનની લેવાથી કોઇ દર્દીનું મોત થયું હોય કે કોઇને આડઅસર થઇ હોય તો તેવા દર્દીઓના સગાંઓને મોરબી પોલીસનો સંપર્ક કરવા તપાસનીશ અધિકારીએ અપીલ કરી છે.

સુરતના ઓલપાડના પીજારત પાસે ફાર્મહાઉસમાં બનતા નકલી રેમડેસિવિર ઇન્જેક્શનને આરોપીઓએ મોરબી, અમદાવાદ, કડી, મહેસાણા, પાટણ, પાલનપુર, સુરત, જબલપુર, ઇન્દોર વગેરે વિસ્તારમાં વેચ્યા હોવાનું ખુલ્યું છે. આ કૌભાંડમાં મોરબીના બે શખ્સ રાહુલ લુવાણા, રવિરાજ લુવાણા ઉપરાંત મહમદ આસીમ, રમીઝ સૈયદ હુસેન કાદરી, ફહીમ મેમણ, નફીસ મન્સૂરી, કૌશલ વોરા, પુનિત શાહ, સુનીલ મીશ્રા, સપન જૈન અને કુલદિપ સાબલિયા સંડોવાયેલા છે અને જેમણે આ આરોપીઓ પાસેથી રેમડેસિવિર ઇન્જેક્શન ખરીદ્યા હોય કે પોઝિટિવ દર્દી સુધી પહોંચાડ્યા હોય અને એ રીતે ફરતા ફરતા આ ઇન્જેક્શન્સ કોઇ કોરોના સંક્રમિત દર્દીને અપાતાં કોઇ આડ અસર દેખાઇ હોય કે દર્દીનું મોત થયું હોય તો દર્દીના સગાંને આગળ આવવા અને પોલીસને તપાસમાં મદદરૂપ થવા તેમજ આરોપીઓને કડકમાં કડક સજા કરાવવામાં સબળ પુરાવા આપવા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.આલનો સંપર્ક કરવો અથવા તો જિલ્લા પોલીસ કન્ટ્રોલરૂમના ફોન નંબર 02822 243478,મોબાઇલ નંબર 7433975943 પર સંપર્ક કરવો.

પોલીસે નકલી રેમડેસિવિરની માહિતી જાહેર કરી છે.જેમાં બેચ નમ્બર 246039 Aતેમજ મેન્યુફેક્ચરિંગ કંપની mylan laboratoreislimited,menu date 03/12/2020 expiry date 02/12/2021 સહિતની વિગત જાહેર કરી છે. તપાસનીશ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે જે લોકોને અારોપીઓનો આવો અનુભવ થયો હોય તેઓ જો માહિતી આપવા સામે આવશે તો આરોપીઓ વિરુધ્ધ કાયદાકીય પ્રક્રિયા વધુ મજબુત બનાવવામાં ઉપયોગી થશે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા ભોગ બનેલા લોકોને આગળ આવવા માટે અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...