તસ્કરી:મોંઘવારી ચોરોનેય નડે ! તેલની બોટલ, સિગારેટના પેકેટની ચોરી

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બગથળામાં કરિયાણાની દુકાનમાંથી 40,000ની મતાની તસ્કરી

એક તરફ લોકડાઉન અને કોરોના સમયના લીધે રોજગારી પર અસર પડી હતી અને એવામાં હવે મોંઘવારી ફાટીને ધુમાડે ગઇ છે. અાથી જીવન જરૂરીયાતની ચીજોની જરૂર તો ચોરોને પણ પડે જ ને, કેમકે પેટ અને પરિવાર તો ચોરોને પણ હોય જ . મોરબીના બગથળામાં એક સપ્તાહ પહેલાં તસ્કરોએ કરિયાણાની દુકાન પર નજર ઠેરવી હતી અને તેલની બોટલો અને સિગારેટના પાકીટ ચોરીને ફરાર થઇ ગયા હતા, જો કે આ ઘટનામાં દુકાન માલિકે એક સપ્તાહ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, અને આસપાસની દુકાનમાં રહેલા સીસીટીવી ફૂટેજ એકઠાં કરી ચોરોનું પગેરું દબાવવા પેરવી અારંભી છે.

મોરબી તાલુકાના બગથળા ગામે પ્લાસ્ટિક ફેકટરી નજીક આવેલી કરિયાણાની દુકાનમાંથી એક સપ્તાહ પહેલા તસ્કરો તેલની બોટલો અને જુદી જુદી બ્રાન્ડની સિગારેટની ચોરી કરી લઈ જતા અઠવાડિયા પૂર્વેના બનાવમાં ફરિયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ બગથળા બિલીયા ગામ વચ્ચે આવેલ શન માર્ક પોલીપેક પાસે પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા અને બગથળામાં રહેતા સુરેશભાઈ મુળજીભાઈ સાંણદિયાની દુકાનમાંથી કોઈ તસ્કરો એક સપ્તાહ અરસામાં શટરના તાળા તોડી દુકાનમાંથી તેલની મોટી બોટલ નંગ-20, નાની બોટલ નંગ-30, અલગ-અલગ બ્રાંડની સિગરેટ, પરચુરણ પૈસાના સિક્કા કિ.1500 સહિત કુલ રૂપિયા 40,350 ની ચોરી કરી ગયા હતા. આ ઘટના અંગે સુરેશભાઈ મુળજીભાઈ સાંણદિયાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે અમુક કિસ્સાઓમાં ચોરીની ફરિયાદ નોંધવામાં કે લેવામાં પોલીસની નામરજી પણ લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

અન્ય સમાચારો પણ છે...