રાજ્ય અને દેશમાં લવ જેહાદ મુદ્દે ચાલતી તીખી ચર્ચા વચ્ચે મોરબીમાં એક વિધર્મી યુવક શાળાએ જતી સગીરાનો પીછો કરી ફ્રેન્ડશીપ કરવા દબાણ કરતો હતો. જે બનાવ મામલે સગીરાની માતાની ફરિયાદને આધારે પોલીસે રોમીયોને ઝડપી લઈને રોમીયોગીરીનું ભૂત ઉતાર્યું હતું. આવા કિસ્સાઓ રોકવા દીકરીના પરિવારજનો હિંમત દાખવે અને પોલીસ ફરિયાદ કરે તો, પોલીસ તુરંત કાર્યવાહી કરી આવા ઇસમોને કાયદાનું ભાન કરાવી શકે છે.
જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરા નવા બસ સ્ટેન્ડ પાસેની શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરે છે. જેથી તે રોજ શાળાએ જતી હોય ત્યારે શાળાએ કે બજારમાં જતી વેળાએ આરોપી અલ્તાફ દિલાવર જેડા નામનો ઇસમ સગીરાનો પીછો કરતો હતો અને રસ્તામાં કહેતો હતો કે, તારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે તારો મોબાઈલ નંબર આપ, પરંતુ સગીરાએ ફ્રેન્ડશીપ કરવી નથી અને પાછળ ના આવવા કહ્યું હતું. છતાં પણ અલ્તાફ તેની પાછળ આવી ખોટી રીતે હેરાનગતિ કરતો હતો અને તા. ૧૦ના રોજ સગીરા ઘરની બહાર ગયેલી ત્યારે રસ્તામાં અલ્તાફે આવીને કહ્યું કે, તું મારી સાથે કેમ ફ્રેન્ડશીપ કરતી નથી, તને શું વાંધો છે. તેવું કહેતા સગીરા કાઈ બોલ્યા વિના ઘરે આવી ગઈ હતી.
સમગ્ર બનાવ મામલે પરિવારના સભ્યોને વાત કરતાં સગીરાની માતાએ બી-ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ પીછો કરી દીકરીને હેરાનગતિ કરવાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે આરોપી અલ્તાફ દિલાવર જેડાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.