મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ચોરીના બનાવ ખુબ વધી રહ્યા છે.ખાસ કરીને છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે પોલીસનું પેટ્રોલિંગ પણ જોવા મળતું નથી જેના કારણે તસ્કરોને મોકળું મેદાન મળી રહ્યું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને પોતાની કિંમતી મિલકત સાચવવા રાત ઉજાગરા કરવા પડી રહ્યા છે.
હજુ તો હળવદ તાલુકાના ચરાડવાની ચોરી અને ચોરોને પકડીને પોલીસને લપડાક મારવાની ઘટનાને 48 કલાક વીત્યા છે ત્યાં વાંકાનેરમાં તસ્કરો ચોરીના ઇરાદે ઘૂસ્યા હતા. લોકોને જાણ થતાં ટોળું એકઠું થઇ ગયું હતું અને બે શખ્સને ઝડપી, જોરદાર મેથીપાક જમાડી બાદમાં પોલીસને સોંપી દીધા હતા. આ ઘટનાનો વીડિયો વહેતો થતાં પોલીસનું નાક વઢાઇ ગયું હતું.
આ બનાવની મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના સરતાનપરમાં ગામ લોકોનો રાત ઉજાગરો જાણે ફળ્યો હોય તેમ ગુરુવારે મોડી રાત્ર્રે ત્રણ અજાણ્યા શખ્સ ચોરી કરવાના ઈરાદે ગામમાં ઘુસ્યા હતા. આ અંગે ગામ લોકોને જાણ થતા તેઓ સતર્ક થઇ ગયા હતા અને ત્રણેયને ઝડપી લીધા હતા અને રાત્રીના સમયે થાંભલા સાથે બાંધી મેથી પાક ચખાડ્યો હતો. ત્રણેયની ગ્રામજનોએ એવી મહેમાનગતિ કરાવી કે જિંદગીભર ચોરી કરવાનું તો ક્યારેય વિચારી નહીં શકે તેવા હાલ કરી દીધા હતા. બાદમાં ગ્રામજનોએ માનવતા પણ દેખાડી હતી અને પાણી પીવડાવ્યું હતું અને વાંકાનેર પોલીસને જાણ કરી પોલીસને સોંપ્યા હતા.
મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી ચોરી અને લુટની ઘટના પર જાણે પોલીસનો કોઈ અંકુશ જ ન રહ્યો હોય તેમ લોકોએ જ પોતાની મિલકતની સુરક્ષા કરવાનું નક્કી કરી લીધું છે અને તેનું ધીમે ધીમે સારું પરિણામ પણ દેખાઈ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.