માળિયા મિયાણા તાલુકાના જૂના ઘાટીલા ગામે રહેતા ખેડૂતે પોતાના ખેતરમાં પાણી ખેંચવાનું મશીન રાખ્યું હતું, જેના પર તસ્કરોની નજર ઠરી હતી અને વહેલી સવારે ચોરીને ચાલતા થયા હતા. જ્યારે ખેડૂતને જાણ થઇ કે તરત પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને નાઇટ પેટ્રોલિંગ દરમિયાન એક રીક્ષા પસાર થતાં તેમા આ મશીન નજરે પડ્યું હતું અને શકમંદોને અટકાવીને પૂછપરછ કરતાં તેમણે વટાણા વેરી નાખ્યા હતા અને ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો હતો.
માળિયા મિયાણા તાલુકાના જૂના ઘાટીલા ગામમાં રહેતા રાજેશ મગનભાઈ ચારોલા નામના ખેડૂતે ગામની સીમમાં આવેલ તેમના ખેતરમાં કપાસનું વાવેતર કર્યું હતું અને પાકને સિંચાઈ માટે નર્મદા કેનાલમાં પાણી ખેચવાનું મશીન મુક્યું હતું. જો કે આ મશીન તસ્કરોના નજરે ચઢી ગયું હતું ગત બુધવારે વહેલી સવારે ખેડૂત ખેતર ગયા ત્યારે કેનાલમાં પાણી ખેંચવાનું મશીન ગાયબ હોવાનું જાણવા મળતા તેઓએ આસપાસના ખેડૂતોને આ બાબતે જાણ કરતા તેઓએ તપાસ કરી હતી પરંતુ મશીન ન મળતા અંતે માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.
પોલીસે ખેડૂતની ફરિયાદ લઇ તપાસ કરી હતી. દરમિયાન માળિયા પોલીસની ટીમને નાઈટ પેટ્રોલિંગ દરમિયાન જીજે1 ટી એફ0 8 1 3નંબરની સીએનજી રીક્ષામાં આ મશીન લઈને જવાતું હોવાની બાતમી મળી હતી. પોલીસે મશીન કબજે કરી આરોપીઓની પૂછપરછ કરી હતી, પરંતુ અારોપીઓ યોગ્ય જવાબ ન આપી શકતા તુરત મશીન પોલીસ મથકે લઈ ગયા હતા અહી ખેડૂત રાજેશભાઈને જાણ કરતા તેઓ પોલીસ મથકે પહોંચી ગયા હતા અને તેનું ચોરાયેલું મશીન ઓળખી બતાવતા પોલીસે અલ્લારખા અબ્દુલ લધાણી,તાહીદ રસુલ પારેડી અને રફીક સલીમ વીરા એમ ત્રણ શખ્સ વિરુદ્ધ ફરિયાદ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.