મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં વ્યાજખોરોએ યુવકને ઊંચા વ્યાજે પૈસા આપ્યા બાદ યુવક અને તેની માતાને પઠાણી ઉઘરાણી કરી પરેશાન કરી નાખ્યા અને અવાર-નવાર તેમના નિવાસસ્થાને આવી યુવક અને તેની માતાને પરેશાન કરતા યુવક પોતાના ઘરે ચિઠ્ઠી લખીને ઘર છોડીને જતો રહ્યો છે. આ સમગ્ર મામલે યુવકની વૃદ્ધ માતાએ 3 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે.
વ્યાજે પૈસા લાવી તેનું વ્યાજ ચુકવતો હતો
બનાવની મળતી વિગત મુજબ મણીબેન લાલવાણી દ્વારા આરોપી મહેશ ચેતનદાસ અમલાણી, સલીમ દિમહંમદ બગથરીયા અને કમલેશ વસંત પોપટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમનો પુત્ર ભાવેશ ચંદુલાલ સીરામીકમાં ટ્રેડિંગનો વ્યવસાય કરતો હતો અને તેને રૂપિયાની આવશ્યકતા ઉત્પન્ન થતાં તેણે મોરબીમાંથી અલગ અલગ ૩ લોકો પાસેથી આશરે અઢી વર્ષ પહેલા વ્યાજે રૂપિયા લીધા હતા. જેમાં આરોપી મહેશ પાસેથી રૂપિયા પાંચ લાખ લીધા હતા અને દર મહિને ભાવેશ મહેશને રુપિયા 31,500નું વ્યાજ ચૂકવતા હતા. આ ઉપરાંત અન્ય વ્યાજખોર સલીમે તેના પુત્ર ભાવેશ પાસેથી રૂપિયા 3,00,000 વ્યાજે લીધેલા હતા. અને તેને દર મહિને રૂપિયા 15,000નું વ્યાજ ભાવેશ ચૂકવતો હતો.
વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઘર છોડ્યું
આ ઉપરાંત ભાવેશ એ કમલેશ પોપટ કે જે તેમના એપાર્ટમેન્ટમાં ઉપરના માળે રહેતા હતા. તેની પાસેથી પણ વ્યાજે રૂપિયા લીધા હતા. વ્યાજખોરો દ્વારા વારંવાર ભાવેશ જોડે પૈસાની માંગણી કરવામાં આવતા ભાવેશ ઘરે ચિઠ્ઠી મૂકીને જતો રહ્યો હતો. આ ચિઠ્ઠીમાં તેણે લખ્યું હતું કે, કમલેશ પોપટે 10% ના વ્યાજે પૈસા લીધા હતા અને ભાવેશના બે કોરા ચેક કમલેશ પોપટ પાસે હોવાનું ચીઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો હતો. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને તારીખ 12/12/2022 ના રોજ ભાવેશ ચિઠ્ઠી લખીને ઘરની બહાર નીકળી ગયો હતો. ત્યારથી આજ સુધી તે લાપતા છે. જેથી આ સમગ્ર મામલે મણીબેને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.