વિસર્જન:મોરબીમાં પાલિકા જ ગણપતિ પ્રતિમા એકત્ર કરી મચ્છુ નદી નજીક ખાણમાં વિસર્જન કરશે

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસર્જન દરમિયાન બનતી દુર્ઘટનાને રોકવા માટે નગરપાલિકા ચાર સ્થળેથી પ્રતિમા એકઠી કરશે
  • નગરપાલિકાના 70થી વધુ કર્મચારીઓ ખડેપગે રહેશે, તમામને ખાસ જવાબદારી સોંપી દેવાઇ

વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાનું ઠેરઠેર સ્થાપન કરવામાં આવ્યું હતું.11 દિવસ સુધી ધામધૂમથી ગણેશ મહોત્સવ ઉજવણી કર્યા બાદ ગુરુવારે વિસર્જન કરવામાં આવશે.મોરબી શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન કોઈ દુર્ઘટના ન થાય તે માટે પાલિકા દ્વારા જ મૂર્તિઓ અલગ અલગ એકત્ર કરી આરટીઓ ખાતે મચ્છુ નદીમાં વિસર્જન કરવામાં આવે છે. ત્યારે મોરબી પાલિકા દ્વારા આ વર્ષે પણ મચ્છુ નદીમાં મૂર્તિ વિસર્જન કરવામાં આવશે. શહેરમાં પોતાની મૂર્તિઓ નજીકના અલગ અલગ ચાર સ્થળ મૂર્તિઓ એકત્ર કરવામાં આવશે.

ફાયરના 10 તરવૈયા, હાઇડ્રોલિક બે મશીન સ્થળ પર તૈનાત રહેશે
આ એકત્ર થયેલી મૂર્તિઓનું સન્માન પૂર્વક આરટીઓ બાયપાસ પાસે આવેલી મચ્છુ નદીમાં વિસર્જન કરવામાં આવશે.આ માટે પાલિકા દ્વારા સ્થળ પર 25થી વધુ લોકો, ફાયર વિભાગના 10 તરવૈયા તેમજ બે હાઈડ્રો મશીન ને પણ તૈયાર રહેવા સુચના આપવામાં આવી છે આ ઉપરાંત વિવિધ વિભાગના કર્મચારી જોડવામાં આવ્યા છે. આ ઉપરાંત આ સ્થળ પર જરૂરી લાઈટ વ્યવસ્થા કરવા,માઈક અને જનરેટર વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. મોરબી પાલિકા દ્વારા અલગ અલગ વિભાગના વડા ઉપરાંત અલગ અલગ વિભાગના 70થી વધુ કર્મચારીઓ ફાયર વિભાગ, ગેરજ વિભાગ તેમજ સેનિટેશન સહિતના વિભાગના કર્મચારીઓ અને સાધનો ફાળવી ગણેશ વિસર્જન મહોત્સવ સુરક્ષિત રીતે ઉજવાય તેવી પાલિકા દ્વારા પહેલ કરવામાં આવી છે.

પ્રતિમા એકત્રિત કરવાના નિર્ધારિત સ્થળ
પાલિકાએ અલગ અલગ સ્થળ જેમાં સ્કાય મોલ પાસે આવેલા મેદાનમાં,પોલીસ પરેડ ગ્રાઉન્ડ,એલ ઇ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ એમ પી શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે એમ 4 સ્થળ પર ગણેશજીની પ્રતિમા એકત્ર કરશે અને ત્યાંથી પાલિકાની ટીમ વાહનોમાં મૂર્તિઓ લઈ જઇ પ્રતિમા વિસર્જન માટે લઈ જશે. દરેક સ્થળ પર પાલિકાએ 5 કર્મચારી અને એક સુપરવાઈઝર મુક્યા છે. ઉપરાંત તમામ સ્થળ પર મૂર્તિ ઉપડી ગયા બાદ સફાઈ અને દવા છંટકાવની સુચના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ આપી છે.

જિલ્લા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મુકાશે
મોરબીના વિવિધ વિસ્તારમાં ગણેશજીના સરઘસ વાજતે ગાજતે નીકળી અલગ અલગ 4 સ્થળ પર પહોંચશે, આ રૂટ દરમિયાન ટ્રાફિકજામ ન સર્જાય તેમજ મચ્છુ નદી પર વિસર્જન સ્થળે ભીડ ઉમટી ન પડે કે કોઈ અવ્યવસ્થા સર્જાઇ તે માટે એસપી રાહુલ ત્રિપાઠીના આદેશથી અલગ અલગ સ્થળ પર એ ડિવિઝન, બી ડિવિઝન તેમજ તાલુકા પોલીસ સહિતની ટીમનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ માટે પી.આઈ પીએસઆઇ સહિતના સ્ટાફ ઉપરાંત ટીઆરબી જીઆરડી જવાન પણ તૈનાત રહેશે.

અન્ય સમાચારો પણ છે...