મોરબી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. શહેરમાં મુખ્ય રોડ હોય કે શેરી ગલીઓ ઠેર ઠેર રખડતા ઢોર અડીંગો જમાવીને બેસી રહેતા હોય છે, જે વાહન ચાલકો માટે માથાનો દુઃખાવો બની ગયા છે. આ સિવાય અલગ વિસ્તારમાં આખલા યુદ્ધ પણ જોવા મળી રહયા છે. આ અંગે અનેક ફરિયાદ બાદ પાલિકાએ ગત 2 ઓગસ્ટથી રખડતા ઢોર ડબામાં પુરવાની કામગીરી હાથ ધરી હતી. આ માટે પાલિકાએ ખાનગી એજન્સીને કોન્ટ્રાકટ આપ્યો છે. જો કે એજન્સી કઈ રીતે કામગીરી કરે છે તેનું ઉદાહરણ 10 દિવસમાં જ સામે આવી ગયું છે.
ઢોર પકડવા જતી ટીમને 10 દિવસમાં માત્ર 40થી 45 જેટલા ઢોર જ મળ્યા હતા.અને આ ઢોરને પંચાસર રોડ પર બનાવેલી પાલિકા હસ્તકની ગૌશાળામાં રાખવામાં આવ્યા છે. જો કે શહેરમાં માત્ર રખડતા ઢોર માત્ર 40- 50 હોય તેવું નથી શહેરમાં આ રખડતા ઢોરની સંખ્યા ખૂબ વધારે છે. આ સિવાય માલિકીના ઢોર પણ એટલી હદે રોડ પર અને ચોકમાં ફરી રહ્યા છેફ શહેરમાં અલગ અલગ માર્ગો પર અડીંગો જમાવીને બેસતા આ ઢોર તમામ માટે જોખમી બની રહયા છે.
પાલિકા દ્વારા 10 દિવસ પહેલાં એવી પણ જાહેરાત કરી હતી કે તમામ રખડતા ઢોર પર કાર્યવાહી કરવામાં આવશે, જેમાં માલિકીના ઢોર હશે તો તેને પણ પકડી લેવામાં આવશે અને તેના માલિકોને રૂ.3000 સુધીનો દંડ ફટકારવામાં આવશે.જો કે આ દાવો પણ પોકળ સાબિત થયો છે. કારણ કે 10 દિવસ દરમિયાન પાલિકાના ઢોર પકડતી પાર્ટીને એક પણ માલિકીના ઢોર મળ્યા નથી. 10 દિવસમાં પાલિકાને દંડ પેટે એક રૂપિયો પણ મળ્યો નથી.
તો શું સવાલ એ થાય છે કે શહેરના માર્ગો પર રખડતા આ ઢોર શુ મંગળ ગ્રહ પરથી આવી રહયા છે કે જેના કોઇ માલિક જ નથી. અને જો માલિકીના ઢોર રોડ પર નથી રખડતા તો શા માટે ડબ્બામાં પુરવામાં નથી આવતા? પાલિકા દ્વારા શહેરમાં રખડતાં ઢોર પાંજરે પૂરવાની કામગીરી સરહાનિય ત્યારે જ બની શકશે જ્યારે શહેર ખરેખર રખડતાં ઢોરના ત્રાસમાંથી મુક્ત બની જશે બાકી આ માત્ર નામ માત્રની કામગીરી બની રહેશે.
નજીકના ગામમાંથી આવતા ઢોર વધ્યા
રખડતા ઢોર પકડવાની પાલિકાએ ઝુંબેશ હાથ ધરી છે, જો કે શું આ ઢોર પાંજરાપોળમાં જ રાખે છે કે કેમ તે અંગે પણ શંકા સેવાઈ રહી છે. કારણ કે આ કામગીરી શરૂ થયા બાદ પાલિકાને અડીને આવેલા ભડિયાદના ઓઝી વિસ્તાર, મહેન્દ્રનગરના છેવાડાના વિસ્તાર,લીલાપર સહિતના નજીકના ગામમાં અને રસ્તા પર આખલા અને રખડતી ગાયોનું પ્રમાણ વધ્યું છે.
પકડાયેલા ઢોર પંચાસર પાસે ગૌશાળામાં રાખ્યા છે
મોરબી શહેરમાં જે જે વિસ્તારમાં રખડતા ઢોરની ફરિયાદ મળે છે, ત્યાં ઢોર પકડતી પાર્ટી ડબ્બા લઈને જાય છે અને પકડી પાલિકા દ્વારા પંચાસર રોડ પર તૈયાર કરેલી પાંજરાપોળમાં રાખવામાં આવી રહ્યા છે. હાલ અહીં 40 જેટલા ધણખુંટ અને બિનવારસી ગાયો રાખી છે અને ઢોર પકડ ઝુંબેશ યથાવત જ છે. - ગિરીશ સરૈયા, ચીફ ઓફિસર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.