મા તે માં બીજા વગડાના વા એવી અનેક કહેવતો માતા માટે લખવામાં આવી છે. 9 માસ સુધી બાળકને પેટમાં ઉછેરી તેમજ પ્રસૃતિ પીડા સહન કરી બાળકને જન્મ અપાનારી જનેતા હમેશા પૂજનીય હોય છે. જો કે આજના કળયુગમાં વિશ્વાસ ના આવે તેવા કિસ્સાઓ બનતા હોય છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં અધૂરા માસે જન્મેલી મૃત બાળકીને મુકીને માતા ભાગી ગઈ હતી, જે બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
બાળકીને મૂકી માતા નાસી છૂટતાં હોસ્પિટલ તંત્રમાં દોડધામ
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ખાનપર ગામના રહેવાસી સુનીતાબેન રામુભાઈ ખુમાન (ઉ.વ.27) નામની મહિલાને અધૂરા માસે બાળકીનો જન્મ થયો હતો અને અધૂરા માસે જન્મેલા બાળકનું મોત થયું હતું. જેથી મૃત હાલતમાં બાળકને 108 મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું અને માતાને સાંજે 05 : 30 કલાકે એડમીટ કરાઈ હતી. ઉપરાંત હોસ્પિટલની નર્સ મૃત બાળકીને સાફ કરવા સહિતની કામગીરી કરતી હોય દરમિયાન માતા વોશરૂમ જવાના બહાને નીકળી ગઈ હતી અને હોસ્પિટલમાંથી નાસી છૂટી હતી. આ બનાવને પગલે હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને હોસ્પિટલના સત્તાધીશોએ માતાની શોધખોળ આદરી હતી. જો કે તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. ત્યારે મૃત બાળકને ત્યજી જનેતા કેમ નાસી ગઈ છે ? જેવા અનેક સવાલો ઉપસ્થિત થયા હતા, જેનો જવાબ માતા ઝડપાયા બાદ જ મળી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.