ટંકારામાં 9 વર્ષના લગ્નજીવનમાં બે દીકરીઓના જન્મ થયા બાદ પુત્ર પ્રાપ્તિ માટે પતિ પરિણીતાને ત્રાસ આપતો હતો. જેથી પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. આ બનાવ મામલે મૃતકની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
ટંકારાના છતર ગામના રહેવાસી વેલુબેન પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમની દીકરી અરૂણાના લગ્ન નવેક વર્ષ અગાઉ નેકનામ ગામે રહેતા હસમુખ ઉર્ફે અશોક સાથે થયા હતા. નવ વર્ષના લગ્નજીવનમાં તેમને સંતાનમાં બે દીકરીઓ છે. જોકે દીકરી માવતરે આવતી ત્યારે માતા પિતાને વાત કરતી હતી કે લગ્ન બાદ પતિ દારૂ પીને ઝઘડો કરે છે. બે દીકરીઓ હોવાથી દીકરો ના હોવાના ટોણાં મારે છે. ત્યારે માતાએ દીકરીને સમજાવી હતી અને સાસરીમાં મોકલી દીધી હતી. બાદમાં પતિએ ઝઘડો કરવાનું ચાલુ રાખતા દીકરી અરુણા કંટાળી ગઈ હતી અને પતિ નાની નાની બાબતમાં ઝઘડો કરી માર મારી માનસિક ત્રાસ આપતો હોવાનું કહ્યું હતું. હવે મરી જવાના વિચારો આવ્યા કરે છે તેવી વાત કરી હતી ત્યારે માતા દીકરીને દિલાસો આપી સંસારમાં આવું ચાલ્યા કરે તેમ સમજાવવા પ્રયત્ન કરતી હતી.
દરમિયાન ગત 14 માર્ચના રોજ સાંજે તેને જાણ થઈ હતી કે અરુણાએ પોતાના પતિના ઘરે ગળેફાંસો ખાઈ લીધો છે. જેથી માતા અને પિતા આવી ગયા હતા અને દીકરી અરુણાને પતિ માનસિક ત્રાસ આપતો હોય તેવી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદ નોંધાવી છે કે તેમની દીકરી અરુણાને પતિ હસમુખ ઉર્ફે અશોક લોરિયા સંતાન તરીકે બે દીકરીઓ જ હોવાથી અને દીકરો ના હોવાથી ટોણાં મારી, ત્રાસ આપી ઝઘડા કરતો હતો. જેથી અરુણાએ પતિના ત્રાસથી કંટાળી જઈને આપઘાત કરી લીધો હતો. ટંકારા પોલીસે આરોપી પતિ વિરુદ્ધ મરવા મજબુર કર્યાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.