ગાયના આતંકના સીસીટીવી ફુટેજ:મોરબીમાં માતા-પુત્રને ગાયે ઓચિંતા જ ઝપેટમાં લઈ ચગદી નાખવા ઘમાસાણ મચાવ્યું; લોકોએ બન્નેને બચાવ્યાં

મોરબીએક મહિનો પહેલા

મોરબીમાં એક રેઢિયાળ ગાયને કારણે અનહોની સર્જાતા રહી ગઈ હતી. જેમાં સામાંકાંઠે મહેન્દ્રસિંહજી હોસ્પિટલની બાજુમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં બહારનું કોઈ કામ પતાવી ઘરે પરત આવતા માતા-પુત્રને ગાયે ઓચિંતા જ ઝડપમાં લઈને બાળકને જાણે ચગદી નાખવા માટે ઢીકે ચડાવી રીતસર પાછળ પડીને ઘમાસાણ મચાવ્યું હતું, જેના સીસીટીવી સામે આવ્યાં છે. અંતે આસપાસના લોકો તુરંત દોડી જઇ બાળકને બચાવી ગાયને ભગાવી હતી.

રેઢિયાળ પશુઓને ડબ્બે પુરવા લોકોની માગ
પ્રાપ્ત થતી માહિતિ મુજબ, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચાર રસ્તા રોડ નજીક આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ઇન્દ્રજીતસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે, તેમની જ સોસાયટીમાં રહેતી એક મહિલા પોતાના નાના બાળક સાથે બહારથી કોઈ કામ પતાવી બન્ને માતા પુત્ર સોસાયટીની અંદર પગપાળા ચાલીને આવી રહ્યાં હતાં. ત્યારે સામે ઉભેલી એક ગાયે અચાનક જ માતા સાથે બ્લુ ટીશર્ટમાં રહેલા પુત્ર ઉપર સીધો જ પ્રહાર કરી દીધો હતો. ઓચિંતા જ આ ગાય આવી રીતે રઘવાઈ થતા માતાએ પુત્રને બચાવાની કોશિશ કરી હતી. ગાયને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. પણ ગાય એટલી હદે રઘવાઈ થઈને દોડી કે માતા પુત્રને હંફાવી દઈ ઢીકે ચડાવ્યાં હતા અને બાળકને જાણે ચગડી નાખવો હોય તેમ આ બાળકની પાછળ પડી ગઈ હતી. અંતે આસપાસના લોકો દોડી આવ્યાં હતા અને બાળકને ગાયના ચુગાલમાંથી છોડાવીને ગાયને ભગાડી મૂકી હતી. આથી આવા રેઢિયાળ પશુઓને ડબ્બે પુરવા તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...