મોરબી જિલ્લામાં છેલ્લા 8 મહિનાથી 700 જેટલી વિધવા મહિલાઓને તેમજ વૃધ્ધોને પેન્શન ન ચૂકવાયું હોવાથી આકરી મોંઘવારીમાં તેઓની અને તેમના પરિવારની શી હાલત થતી હશે, કેવી રીતે તેમનું ગુજરાન ચાલતું હશે તેવા અણીયારા સવાલો ઉઠાવી સામાજિક કાર્યકરે સીએમને ઉદેશીને ડે. કલેક્ટરને આવેદન આપી પેન્શન રીલીઝ કરાવવા રજૂઆત કરી હતી.
રાજય સરકાર દ્વારા અવાર નવાર પ્રચાર અને પ્રસાર માધ્યમોમાં જાહેરાત આપી વિધવા મહિલાઓ અને વૃધ્ધ લોકોને મહિને પેન્શન સમયસર ચૂકવાતું હોવાના દાવાઓ કરતી હોય છે. આ દાવા કેટલા સાચા છે તે ખુદ લાભાર્થી જ જાણે છે કારણ કે મોરબી જિલ્લામા છેલ્લા 8 મહિનાથી 700 જેટલી વિધવા મહિલા તેમજ સિનિયર. સિટીઝનને પેન્શન મળ્યું નથી.
આવી આકરી મોંઘવારી વચ્ચે નોકરી ધંધા કરતા લોકોનું ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ પડે છે, ત્યારે આ વિધવાઓ અને વૃદ્ધોની તેમજ તેમના પરિવારની હાલત શું થતી હશે તે પણ વિચારવા જેવી બાબત છે, ત્યારે મોરબીના સામાજીક કાર્યકર અને પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહિયા,બળવતભાઈ સનારીયા સહિતનાંએ સીએમ ભુપેન્દ્ર પટેલને મોરબી અધિક કલેક્ટર મારફતે આવેદનપત્ર આપ્યું હતું અને વહેલી તકે વિધવા મહિલા તેમજ વૃદ્ધના પેન્શનનો હપ્તો ચૂકવવા માગણી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.