વીજચોરી:મોરબી જિલ્લામાં વીજ વપરાશની સાથે વીજચોરી પણ વધી, છેલ્લા 10 મહિનામાં 15 કરોડનો દંડ ફટકાર્યો

મોરબી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં સૌથી વધુ મોરબી તાલુકામાં વીજચોરી થઇ,બીજા નંબરે હળવદ તેમજ વાંકાનેર ત્રીજા ક્રમે રહ્યું
  • વિકાસની દોટમાં કરચોરીની રફ્તાર પણ વધી પડી

મોરબી જિલ્લામાં વધી રહેલા ઔદ્યોગિક વિકાસથી દિવસેને દિવસે વીજળીનો વપરાશ વધ્યો છે. સાથે સાથે વીજ ચોરીનું પ્રમાણ પણ વધ્યું છે. જો કે આ વીજ ચોરી ડામવા પીજીવીસસીએલની ટીમ સક્રિય બની ચેકિંગ કામગીરી કરી રહી છે ત્યારે જેમાં મોરબીમાં માત્ર દસ જ મહિનામાં 15 કરોડની વીજચોરી ઝડપાઇ છે. જે દર્શાવે છે કે વીજ વપરાશમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં અવ્વલ રહેલા મોરબી જિલ્લામાં વધારે વીજચોરી થાય છે અને મોરબી જિલ્લામાં દસ મહિનામાં વિજચોરીના 4244 જેટલા કિસ્સા સામે આવ્યા છે. સૌથી વધુ મોરબી તાલુકામાં વીજચોરી અને બીજા નંબરે હળવદ તેમજ વાંકાનેર ત્રીજા ક્રમે રહ્યું છે.

મોરબી જિલ્લામાં સૌથી વધુ વીજળીનો વપરાશ થાય છે. મોરબી જિલ્લો ઔદ્યોગિક રીતે સમૃદ્ધ હોવાથી વીજળીનો વધુ વપરાશની સામે વીજચોરીનું પણ દુષણ વધ્યું છે. આથી વારંવાર ઔદ્યોગિક, ઘરેલુ તેમજ વાણિજ્ય હેતુના વીજ જોડાણમાં ગેરરીતિ સબબ વીજ ચેકિંગ ટુકડીઓ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે છે. જેમાં મસમોટી રકમની વીજચોરી સામે આવે છે. આ રીતે ગત વર્ષના એપ્રિલથી ચાલુ વર્ષના જાન્યુઆરી સુધી એટલે દસ મહિનામાં પકડેલી વીજચોરીની વિગત જોઈએ તો મોરબી, વાંકાનેર અને હળવદ એમ ત્રણ ડિવિઝનમાં અધધધ 15 કરોડની વીજચોરી પકડાઈ હતી.

છેલ્લા 10 મહિનામાં મોરબી, વાંકાનેર અને હળવદ એમ ત્રણ ડિવિઝનમાં વીજચોરીના 4200થી વધુ કિસ્સા સામે આવ્યા છે. જેમાં હળવદ ડિવિઝનમાં 5.13 કરોડ, મોરબી ડિવિઝનમાં 6.24 કરોડ, વાંકાનેર ડિવિઝનમાં 3.60 કરોડની વીજચોરી પકડાઈ હતી. ટોટલ 4244 થી વધુ વીજ જોડાણમાં ચોરી થઈ હોવાનું સામેઆવ્યું હતું. જેમાં હળવદમાં 1642, મોરબીમાં 1598, વાંકાનેરમાં 1004 જેટલા વીજ જોડાણનો સમાવેશ થાય છે. આ રીતે વધુ વીજચોરી પકડાઈ હોવાથી વીજતંત્ર દ્વારા વીજચોરીને કડક હાથે ડામી દેવા પૂરતા પ્રયાસો કરાતા હોવાનું જણાવ્યું હતું.

અમારી ટીમ લોકોને ફરજનું ભાન કરાવે જ છે
મોરબી જિલ્લા પીજીવીસીએલના સર્કલ નીચે આવતા 3 ડિવિઝનમાં છેલ્લા 10 મહિના દરમિયાન નિયમિત ચેકિંગ કામગીરી કરી વીજ ચોરી પકડવામાં આવી છે અને આવી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યા છે. અમે પણ ગ્રાહકોને આવી કોઇ પ્રવૃત્તિ ન કરવા આપીલ કરીએ છીએ. જો આવી પ્રવૃત્તિ અમારા ધ્યાનમા આવશે તો આગામી દિવસોમાં તેઓ વિરૃધ્ધ પણ કડક એકશન લેવાશે. કેમકે વીજ વપરાશ કરીને તેનું બિલ ન ભરવું કે પછી વીજ મીટર સાથે ચેડાં કરવા એ ગુનો છે, અપરાધ છે. જે ચલાવી શકાય જ નહીં. > વી. એલ. ડોબરિયા, સુપરિટેન્ડેન્ટ ઇજનેર, મોરબી સર્કલ

અન્ય સમાચારો પણ છે...