જળસંકટ ટળ્યું:મોરબી જિલ્લામાં જુલાઇમાં 8 થી 18 ઇંચ વરસાદથી જળાશયોમાં 6 મહિના ચાલે તેટલું પાણી સચવાયું

મોરબી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાલી પડેલો મચ્છુ 3 ડેમ ભરાઇ ગયો, અન્ય 9 ડેમમાં પણ નોંધપાત્ર જળરાશિ ઠલવાઇ, ચોમાસું પાકનું ચિત્ર પણ વધુ ઊજળું બન્યું

મોરબી જિલ્લામાં જૂન મહિનામાં હળવા વરસાદ બાદ જુલાઈ મહિનામાં મેઘરાજા મોરબી જિલ્લા પર મહેરબાન થયા હતા. અને 8 ઇંચથી 17 ઇંચ વરસાદ વરસી પડ્યો હતો. જેના પગલે વિવિધ ડેમમાં પાણીની આવક થઈ હતી. જેના કારણે ડેમમાં સારી એવી આવક થઈ છે, જેના કારણે પીવાના પાણીની નોંધપાત્ર આવક થઈ જવા પામી છે. આથી પીવાના પાણીની સમસ્યા મહદ અંશે ઓછી થઈ ગઇ છે. બીજી તરફ કૃષિ ક્ષેત્રમાં પણ ચિત્ર ઘણું જ ઉજળું બન્યું છે. જિલ્લામાં 2,83 300 હેકટરમાં વાવેતર પૂર્ણ થઈ ગયુ છે.

મોરબી જિલ્લામાં જૂન મહિનામાં અડધા ઇંચથી 2.5 ઇંચ સુધી વરસાદ થતા મોરબી ચોમાસુ પાકનું વાવેતર ઘટ્યું હતું. જો કે જુલાઈ મહિનાની શરૂઆતથી જ મેઘરાજાએ મંડાણ કર્યા હતા અને 15 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જેના કારણે સમગ્ર જિલ્લાના નાના મોટા જળાશયમાં પાણીની સારી આવક થઈ હતી. વરસાદી પાણીને પગલે મોરબીના ખાલી પડેલો મચ્છુ 3 ડેમ ભરાઈ ગયો હતો તો બાકીના 9 ડેમમાં પણ સારી એવી આવક થઈ હતી.

મોરબી જિલ્લામાં 30 જુલાઈ સુધીમાં 8 ઇંચ થી લઈ 17 ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. તાલુકા મુજબ જોઈએ 1 જુલાઈ થી 30 જુલાઈ સુધીમાં ટંકારા 357મીમી, માળિયામાં 199 મીમી, મોરબીમાં 441મીમી, વાંકાનેરમાં 250મીમી, હળવદ 213મીમી વરસાદ પડી ગયો હતો જેના કારણે ચોમાસુ પાકનું વાવેતર પણ સારું એવું થયું હતું.

મોરબીનો સૌથી મોટો મચ્છુ-2 ડેમ 46 ટકા ભરાયો, હજુ ચોમાસાના બે મહિના બાકી
જિલ્લામાં થયેલા વરસાદને પગલે જિલ્લાના જળાશયોમાં મોટા પાયે પાણીની આવક થઈ હતી.મોરબી જિલ્લાના 10 ડેમમાં સારી આવક થઈ છે. જિલ્લાના 10,829 એમસીએફટીની ક્ષમતા સામે 3853 એમસીએફટી જેટલું પાણી ભરાયેલ છે મોરબીના સૌથી મોટા મચ્છુ 2 ડેમમાં 3104 એમસીએફટી ક્ષમતા સામે 1456 એમસીએફટી એટલે કે 46.92ટકા ભરાયેલ છે હાલ ડેમની સ્થિતી મુજબ આગામી 6 મહિના સુધી શહેરમાં પીવાના પાણીની સમસ્યા હલ થઈ ચૂકી છે.

ચોમાસાના હજુ 2 મહિના બાકી છે અને આગામી મહિનામાં પણ સારો વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જુલાઈ મહિનામાં જેવો વરસાદ વરસ્યો હતો તેવો વરસાદ આગામી મહિનામાં વરસશે તો જિલ્લાના જળાશયમાં પણ પાણી ભરાઇ જાય તેવી આશા સેવી રહ્યા છે. અને તેના પગલે પાકનું ચિત્ર પણ સાનુકૂળ બની રહેશે.

કપાસ અને મગફળીના પાકનું મોટાપાયે વાવેતર
જિલ્લામાં કપાસ અને મગફળીના પાકનું મોટા પાયે વાવેતર થયું છે. જિલ્લામા આજ સુધીમાં 2,83,300 હેકટરમાં ચોમાસુ પાકનું વાવેતર થયું છે. પાક મુજબ જોઈએ તો 1,84,400 હેકટરમાં વાવણી થઈ છે. આ ઉપરાંત 65,200 હેકટરમાં કપાસ,69,600 હેકટરમાં ઘાસચારો વાવવામાં આવ્યો છે. સમયસર વરસાદના પગલે પાકની સ્થિતિ પણ સારી રહી છે. કૃષિ તજજ્ઞોના જણાવ્યાનુસાર જો હજુ પણ વરસાદ થોડો મોડો વરસે તો પાક પર માઠી અસર નહીં પહોંચે અને નુકસાનીનો વારો નહીં આવે.

અન્ય સમાચારો પણ છે...