આજકાલ નાની-નાની વાતમાં લાગી આવતા આપઘાત જેવું અંતિમ પગલું ભરી લેવાના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. છાશવારે આ પ્રકારના બનાવો નોંધાતા રહે છે. આવા જ એક બનાવમાં મોરબીમાં વતન જવા મુદ્દે પત્ની સાથે ઝઘડો થતા પરપ્રાંતીય યુવકે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.
મોરબીના ટીબળી ગામ નજીક આવેલા એફિલ સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહી મજૂરી કામ કરતા મૂળ ઓરીસ્સાના બાલેશ્વર નજીક બલિયાપાલમાં રહેતા શ્રમિક ચંદનકુમાર રામ ચંદ્ર માંજી નામના આદિવાસી શ્રમિકને તેની પત્ની કુમારી સાલગે સાથે વતન જવા મુદે ઝઘડો થયો હતો. ઝઘડો એટલી હદે વધી ગયો કે યુવકને લાગી આવ્યું હતું અને મંગળવારે વહેલી સવારે લેબર ક્વાર્ટરમાં પંખાના હુક સાથે પત્નીના દુપટ્ટાનો ફંદો બનાવી ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.
પત્ની સવારે ઊંઘમાંથી ઊઠીને જોતા બેબાકળી બની ગઈ હતી અને આસપાસના લોકોને જાણ કરતાં યુવકને મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તેમજ પીએમ માટે તજવીજ હાથ ધરાઇ હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.