બેદરકારી:મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ માટે અધિકારીઓની અણઆવડતથી 920 આવાસની ગ્રાન્ટ પરત ગઇ

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે તે વખતે 67.77 કરોડના ખર્ચે 1600 આવાસને અપાઇ હતી મંજુરી, જમીન પરનું દબાણ દૂર ન થતાં બન્યા માત્ર 680
  • કંડલા બાયપાસ પાસે બનેલા 680 આવાસના 61 લાભાર્થીઓને ઓનલાઇન ફાળવણીપત્ર એનાયત કરાયા

મોરબીમાં જે તે સમયે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલા આવાસો પૈકી અધિકારીઓની અણઆવડતના પાપે 1600 આવાસ મંજૂર થયા હતા પરંતુ બની શક્યા માત્ર 680. બાકીના આવાસની ગ્રાન્ટ પરત જતી રહી છે, જેના લીધે ઓછી આવક ધરાવતા પરિવારોનું સપનું રોળાયું છે. બીજી તરફ રાજ્યમંત્રીની હાજરીમાં શુક્રવારે 61 આવાસના ફાળવણીપત્રો આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં લાભાર્થીઓને આવાસની સોંપણી કરાઇ હતી.

મોરબી નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.67.77 કરોડના 1600 આવાસ મંજૂર થયા હતા અને તેના માટે વિસિપરા વિસ્તારમાં જમીન ફાળવાઈ હતી આ જમીન પર સરકારી દબાણ દૂર કરવાનું હતું. જો કે તે સમયે આ દબાણ દૂર ન થતા અંતે અલગ અલગ ત્રણ સ્થળે જમીન શોધવામાં આવી હતી. આ ત્રણ જગ્યામાં એક કંડલા બાયપાસ પાસે આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ બાજુમાં જગ્યા મળી હતી જેના પર હાલ 680 આવાસ બન્યા જ્યારે બાકીના 920 જેટલા ક્વાર્ટર માટે મહેન્દ્રનગર તેમજ પંચાસર ગામના અલગ અલગ સર્વેની જમીન મળે તેવું આયોજન હતું.

જો કે તે સમયના કલેક્ટર દ્વારા રાજકીય દબાણ વશ થઈ આ બન્ને જગ્યા ફાળવી ન હતી જેના કારણે આ 920 ક્વાર્ટરનું બાંધકામ અટકી પડ્યું હતું અને તેના માટે આવેલ રૂ.9 કરોડ જેટલી ગ્રાન્ટ પાછી જતી રહી હતી. હવે ભવિષ્યમાં શુ મોરબીના રાજકીય આગેવાનો અને પ્રજાના ચૂંટાયેલ આ પ્રતિનિધી ફરીથી ગ્રાન્ટ પાછી લાવશે કે કેમ તે પણ મોટો સવાલ છે. જયારે બીજી તરફ શુક્રવારે એક વર્ષથી તૈયાર થયેલા આવાસો પૈકી 61 લાભાર્થીઓને ફ્લેટની ચાવી અને ફાળવણી પત્ર રાજ્યમંત્રી મેરજાની ઉપસ્થિતિમાં એનાયત કરાયા હતા.

આ આવાસોમાં મોરબી નગરપાલિકા દ્વારા શહેરના ઈ.ડબલ્યુ.એસ. ધરાવતા લોકોને આવાસ ઉપરાંત ચિલ્ડ્રન પ્લે એરીયા ગાર્ડનીંગ કેમ્પસ એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટીંગ, વોટર સપ્લાય, ભુગર્ભ ગટર, વિશાળ પાર્કિગ, રસ્તાઓ સહિત આંતરમાળખાકીય સુવિધાઓ પણ આપવામાં આવી છે તેવો દાવો મેરજાએ કર્યો હતો.

વર્ષોથી ભાડે રહેતા હતા, હવે પોતાનું ઘરનું ઘર મળી જતા ચિંતા દૂર થઈ
વર્ષોથી તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા અને પોતાના મકાન માટે ચિંતિત રહેતા હતા પરંતુ આ આવાસનું સોપણી પત્રક મેળવવા થી તેઓની વર્ષોની ચિંતાનો અંત આવ્યો હતો તેમ લાભાર્થી હેમીબેન પરમારે જણાવ્યું હતું

ભાડાની રકમ બાળકોના શિક્ષણમાં વાપરશું
પાંચ વર્ષથી ભાડાના મકાનમાં રહે છે પરંતુ હવે આ આવાસ મળવાથી ભાડા ભરવામાંથી મુક્તિ મળશે અને તે રકમ તેમના બાળકોના ભણતર અર્થે ઉપયોગમાં લઈ શકાશે.અન્ય લાભાર્થી નયનાબેન નિલેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...