રસી લેવામાં આળસ:મોરબીમાં 50 હજાર લોકો બીજો ડોઝ લેવા ન ફરક્યા

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી જિલ્લામાં વેક્સિનનો બીજો ડોઝ સમયસર લેવામાં લોકો ઉદાસીન, હજુ સુધી માત્ર 2.23 લાખ લોકોએ જ લીધો બીજો ડોઝ

નવરાત્રીની સાથે હવે તહેવારો શરૂ થઇ ગયા છે.ધીમે ધીમે તહેવારો નજીક આવતા જશે તેમ તેમ બજારમાં ભીડ જામવા લાગશે.બીજી તરફ તહેવારોના માહોલથી રસીકરણ કામગીરી પણ ધીમી થવા લાગશે, જેની અસર વેક્સિન સંખ્યા પર પણ પડશે. હાલ મોરબીમાં લગભગ 50,000 જેટલા લોકોની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાની 84 દિવસની મુદત પૂર્ણ થઇ ચૂકી છે અને હવે બીજા ડોઝ માટે એલેજીબલ હોવા છતાં હજુ સુધી 50,000 જેટલા લોકોએ બીજો ડોઝ લીધો નથી.

અને જો આજ રીતે લોકો બીજા ડોઝ લેનારની સંખ્યા ઘટશે તો આગામી દિવસોમાં સરકાર દ્વારા ત્રીજી લહેર આવતી અટકાવવા કરેલા આયોજન પર પાણીઢોળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આરોગ્ય વિભાગ પાસે જિલ્લામાં વેક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ લોકો જ વેક્સિન સેન્ટર પર ન જતા હોવાથી વેક્સિનનો સ્ટોક પરત આવી જાય છે.જિલ્લામાં હજુ સુધી 2.23 લાખ જેટલા લોકોએ જ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.

351માંથી 258 ગામમાં પ્રથમ ડોઝનું 100 % વેક્સિનેશન
મોરબી જિલ્લામાં ગામના આગેવાનો અને શિક્ષિત લોકોની મદદથી અનેક ગામડામાં લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાવવા કરેલી મહેનત ફળી હતી.અને જિલ્લાના 351માંથી 258 ગામમાં 100 ટકા લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. તાલુકા મુજબ જોઇએ તો મોરબીમાં 101 ગામ, વાંકાનેર 54,હળવદ 46,ટંકારા 39 અને માળીયામાં 18 ગામનો સમાવેશ થયો હતો. અનેક ગામડાં અને શહેરી વિસ્તારોમાં સમજાવટ બાદ પ્રથમ ડોઝ લોકોએ લીધા હતા. જો કે આમાંથી ઘણા બધા લોકો કોઈના કોઈ કારણસર બીજો ડોઝ લેવા ન આવતા તંત્રને ફરી ચિંતામાં મૂકી શકે છે.

વયસ્કો હોય કે યુવાનો, જેમનો બીજા ડોઝનો સમય થયો છે તે વેક્સિન લે તે અત્યંત જરૂરી
જિલ્લામાંથી જે પણ યુવાનો અને વડીલોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો તેમને આપવામાં આવેલ 84 દિવસની મુદત બાદ મોબાઈલમાં બીજા ડોઝ અંગેનો મેસેજ આવશે આ મેસેજ આવ્યે બીજો ડોઝ મેળવી લેવો ખૂબ જરુરી છે. તમામ આરોગ્ય કેન્દ્રમાં રસીનો પુરતો સ્ટોક ઉપલબ્ધ છે લોકો કોઈ પણ પ્રકારની અફવા કે ડર વિના બીજો ડોઝ મેળવે તે જરૂરી છે. > વિપુલ કારોલિયા, વેક્સિન પ્રોગ્રામ ઓફિસર

સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ
મોરબી સિવિલમાં PSA ઓકિસજન પ્લાટનું પણ ઈ-લોકાર્પણ મંત્રી અરવિંદ રૈયાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. કોરોનાને નાબૂદ કરવા માટે વેક્સિનેશન કામગીરીમાં પ્રજાને સાથ સહકાર આપવા રાજયમંત્રી રૈયાણીએ જણાવ્યું હતું.કોરોના મહામારીમાં વહિવટી, આરોગ્ય તેમજ પોલીસ કર્મચારીઓ તેમજ સામાજિક સંસ્થાઓએ કરેલી કામગીરીની સરાહના કરતા તેમણે જણાવ્યું હતું કે, મેડીકલ સ્ટાફે પોતાની કે પરિવારની ચિંતા કર્યા વિના કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી છે.

કોરોના સામેની લડાઇમાં ભવિષ્યની કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા શુધ્ધ ઓકિસજન સરળતાથી મળી રહે ઉપરાંત જિલ્લાની અન્ય જરૂરીયાતો પૂરી કરવા પણ ખાતરી આપી હતી. સાંસદ કુંડારિયાએ સિવિલ વધુ સજ્જ થઇ રહી હોવાનું જણાવ્યું હતું. જો કે આરોગ્ય તંત્ર જે રીતે વેક્સિનેશન માટે મહેનત કરી રહ્યું છે તેના પરથી લાગે કે ત્રીજી લહેર ન આવે તો વધારે સારું પરંતુ બીજી લહેરએ બધાને ઉંઘતા ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...