તંત્ર સામે ઉગ્ર આક્રોશ:મોરબીના લાયન્સનગરમાં ભૂગર્ભના પાણી મુદ્દે મહિલાઓનો પાલિકાને ઘેરો

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા છ મહિનાથી દુર્ગંધયુંકત પાણી શેરીમાં ફરી વળતું હોવાથી રોગચાળો વકર્યો

મોરબી પાલિકા છેવાડાના વિસ્તાર એવા લાયન્સનગરમાં પાલિકાની ટીમ સફાઇ માટે ન આવતા છેલ્લા 6 મહિનાથી ભૂગર્ભ ગટરનું પાણી શેરીમાં ફરી રહ્યા છે, જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. સ્વચ્છ ભારત અને સ્વસ્થ મોરબીના બેનરો લગાવતી પાલિકા ભૂગર્ભ ગટર સફાઈ કામગીરીમાં ધ્યાન આપી રહી ન હોવાથી રોગચાળો ફાટી નીકળે એવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.

અનેક રજૂઆત છતાં પાલિકા તંત્રની ઉંઘ ન ઉડતા આજે મહિલાઓ વિફરી હતી અને રોષે ભરાયેલી મહિલાઓ નગરપાલિકા કચેરીએ દોડી ગઇ હતી અને પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે મોરચો માંડ્યો હતો. પણ પાલિકામાં રજુઆત માટે ખાસ્સો સમય બેસવા છતાં કોઈ પદાધિકારીઓ કે અધિકારીઓ ન ડોકાતા મહિલાઓમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો.

મહિલાઓએ તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને તેમના વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી ભુર્ગભ ગટર ઉભરવાની ભયકર સમસ્યા છે. આખી શેરીમાં ગટરના ગંદા પાણી રેલમછેલ થઈને વહેતા હોય મચ્છરોનો ભારે ઉપદ્રવ રહે છે. ગટરના ગંદા પાણીમાં ચાલીને જવું પડતું હોય અને ઘર સામે ગટરની ભયકર ગંદકી ઉભરાતી હોવાથી રોગચાળો ફાટી નીકળે એવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હોવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી. છેલ્લા છ મહિનાથી ગટરના પાણી સાફ કરવા માટે તંત્રને રજૂઆત કરી હોવા છતાં નિંભર તંત્ર આ ગંભીર પ્રશ્ને અનદેખી કરી રહ્યું હોવાથી આજે નગરપાલિકામાં મોરચો માંડવાની ફરજ પડી છે.

આજે આ વિસ્તારમાં 70 જેટલા ઘરોને ગટરની સમસ્યા અસર કરતી હોય આ પ્રશ્નનું નિરાકરણ માટે આજે સવારે 10 વાગ્યાથી નગરપાલિકામાં બેઠા હોય છતાં જવાબદાર પદાધિકારીઓ કે અધિકારીઓ હાજર ન હોય ભારે રોષ સાથે મહિલાઓએ જ્યાં સુધી તેમના પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી નગરપાલિકામાં બેસી રહેવાની પણ જીદ પકડી હતી.જો કે બાદમાં અધિકારીઓની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને મહિલાઓ ઘરે પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...