હળવદ તાલુકામાં ટીકર ગામ પંચાયત ઓફીસ પાસે દિયર-ભાભીને ચાર શખ્સોએ ઢોરમાર માર્યાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનારે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
ઉશ્કેરાઇ જઈ હાથમાંની લાકડી વડે આડેધડ મારવા લાગ્યો
હળવદના ટીકર ગામે રહેતા દિલીપ હરજીભાઇ ચૌહાણે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના મોટા ભાઇનો દિકરો રવિએ રાજેશ એરવાડીયાની દીકરી મોહીની સાથે ભાગીને લગ્ન કર્યા હતા. જેથી તારીખ 1ના રોજ સવારના 10 વાગ્યાના અરસામાં તેઓ ટીકર ગામ પંચાયત ઓફીસ પાસે બેઠા હતા. એ સમયે આરોપી રાજેશ એરવાડીયા, મહેશ ઇશ્વર દેથરીયા, અલ્પેશ હીરજી ગોઠી અને હેંમાશુ શાંતીલાલ એરવાડીયા લાકડી તથા ધોકા સાથે આવ્યા હતા. તેમના ભત્રીજાએ ભાગીને કરેલા લગ્નનો ખાર રાખી રાજેશ એરવાડીયાએ બેફામ અપશબ્દો ભાંડીને અન્ય આરોપી સાથે મળીને એકદમ ઉશ્કેરાઇ જઈ હાથમાંની લાકડી વડે દિલીપના શરીર ઉપર આડેધડ મારવા લાગ્યો હતો. જ્યારે અન્ય આરોપીઓએ વારંવાર તેને મુઠ માર મારી માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી હતી. દરમિયાન તેના ભાભી પુજાબેન આવતા ચારેય આરોપીએ તેમને પણ લાફા ઝીંક્યા હતા તથા ઢીંકા પાટુનો માર માર્યો હતો. જોકે, આસપાસના લોકો ઉમટી પડ્યા હતા અને તેમણે દિયર-ભાભીને છોડાવ્યા હતા. જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.