કેનાલના પાણી મુદ્દે ઝઘડો:હળવદમાં 3 ઈસમોએ 'વાડીમાં કેનાલનું પાણી કેમ આવવા નથી દેતા' કહી પિતા-પુત્ર પર હુમલો કર્યો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હળવદમાં કેનાલના પાણી બાબતે ૩ ઇસમોએ પ્રૌઢ અને તેના પુત્ર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનારા પ્રૌઢે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.

હળવદના ઢવાણા ગામે રહેતા કાલીકાકુમાર ઉર્ફે કનકસિંહ જેઠુભા ઝાલાએ તેમના જ ગામના ભુપત ડાયાભાઇ રાઠોડ, રણજીત ભુપતભાઇ રાઠોડ અને મહિપત ભુપતભાઇ રાઠોડ વિરુદ્ધ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે તેઓ તેમના પુત્ર દિવ્યરાજસિંહ સાથે તેમના ઘર સામે જાહેર રસ્તાઓ પર ઉભા હતા. ત્યારે ભુપત ડાયાભાઈ રાઠોડ લોખંડના પાઇપ સાથે તથા તેમના દીકરા રણજીત રાઠોડ અને મહિપત રાઠોડ હાથમાં લાકડી લઈને મોટર સાયકલ પર આવ્યા હતા. અને કહ્યું હતું કે, 'અમારી વાડીમા માઇનોર કેનાલનુ પાણી કેમ આવવા દેતા નથી'.

કાલીકાકુમારે કહ્યું હતું કે, 'હું પાણી રોકી નથી રાખતો ઉપરથી જ પાણી આવતું નથી' તેમ સમજાવવા જતાં આ ત્રણેય ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા અને ભુપતે તેના હાથમાં લોખંડનો પાઇપ લઈને કાલિકાકુમારને માર્યો હતો. જેથી તેમના કાનેથી લોહી નીકળવા લાગ્યું હતું. તેમનો દીકરો દિવ્યરાજસિંહ વચ્ચે પડતા રણજીત તથા મહિપતે દિવ્યરાજસિંહ સાથે ઝપાઝપી કરીને માર માર્યો હતો. બંનેના હાથમાં રહેલી લાકડીથી દિવ્યરાજસિંહને પગમાં ઇજા પહોંચાડી હતી. પરંતુ આ ઘટનાથી દેકારો થતા કાલિકાકુમારના કુટુંબીજનો બહાર નીકળ્યાં હતા અને તેમની પાસે પહોંચી ગયા હતા. જેના કારણે ત્રણેય ઈસમો પોતાનું બાઈક મૂકીને ત્યાંથી નાસી ગયા હતા. આ સમગ્ર મામલે કાલિકાકુમારે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...