છેલ્લા થોડા સમયથી ગોલા કે આઇસક્રીમની લાલચ આપી બાળકોને ઉઠાવી જવાના બે ત્રણ કિસ્સા તાજેતરમાં જ મોરબીના વાંકાનેર અને ઘુંટુમાંથી સામે આવ્યા હતા, જો કે તપાસ બાદ બન્ને ઘટનાની તમામ વિગતો પુરાવા સાથે સામે આવી હતી અને પોલીસને આંશિક હાશકારો થયો હતો પરંતુ લોકોના મનમાંથી એ ઘટનાઓનો હાઉ ન જતો હોય તેમ અફવાઓનું બજાર ગરમાઇ રહ્યું છે અને વાઘ આવ્યો રે વાઘ એ ઉક્તિ મુજબ લોકો જરા જેટલી બાબતમાં શંકા કુશંકા કરતા થઇ ગયા છે ત્યારે હવે પોલીસે જ દુધનું દુધ, પાણીનું પાણી કરવું પડશે.
માળિયાના ઘાટીલામાંથી મોડી સાંજે આવી જ એક ઘટના સામે આવી હતી અને એક બાળકને બે શીખ જેવા શખ્સ ઉઠાવીને લઇ જતા હોવાથી અને પોલીસને જાણ કરાતાં પોલીસ દોડી આવી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજ ફંફોળ્યા હતા, જો કે તેમાં કશું સામે આવ્યું ન હતું.
ઘાટિલામાં મંગળવારે શીખ જેવા દેખાતા બે શખ્સ બાઈકમાં આવ્યા હોય, બાળકને આઈસ્ક્રીમની લાલચ આપી ઉઠાવી ગયા હતા. આ અંગે માળિયા પોલીસને જાણ થતા માળિયા પોલીસ મથકના પીએસઆઈ બી. ડી. જાડેજા, તેની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બાળક, ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલી થીયરી પર તપાસ હાથ ધરી હતી.
જો કે ઘટના અંગે કોઈ પુરાવા મળ્યા ન હતા કે જે જગ્યાએથી બાળકનું અપહરણ થયાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, તે જગ્યાના સીસીટીવી કેમેરામાં પણ કશું સામે આવ્યું નથી તેમ છતાં ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે અને સંપુર્ણ હકીકત તપાસ બાદ જ સામે આવી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.