તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સવા વર્ષમાં 53,687 લોકોએ માસ્ક ન પહેરી 3.69 કરોડની કમાણી મોરબી પોલીસને કરાવી આપી

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની બીજી લહેરમાં 15,666 બેદરકાર લોકોએ રૂ.1.56 કરોડનો દંડ ભર્યો

મોરબી જિલ્લામાં કોરોનાની પ્રથમ લહેરમાં નહિંવત કેસ હોવા છતાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાની કામગીરી હાથ ધરી હતી અને આ કામગીરી બીજી લહેરમાં પણ જળવાઇ હતી. વેક્સિનના આગમન પહેલા આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ કોરોનાથી બચવા માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જ સૌથી વધુ અસરકારક સાધન હતું અને રાજ્ય સરકાર દ્વારા જાહેર સ્થળો પર વાહન ચલાવતી વખતે ઓફિસ કે ભીડવાળી જગ્યા પર માસ્ક પહેરવા ફરજિયાત કરવમાં આવ્યું હતું.

જો લોકો જાહેરમાં માસ્ક વિના ઝડપાય તો તેવા લોકોને પ્રથમ 200 રૂપિયા દંડ વસુલ કરવામાં આવતો હતો, બાદમાં 500 અને હાઇકોર્ટના આદેશ બાદ 1000 સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં 15,666 લોકો માસ્ક વિના ઝડપાયા હતા. જેમની પાસેથી 1 કરોડ 56 લાખ 6 હજારનો દંડ વસુલ કર્યો હતો, તો સમગ્ર કોરોના કાળ દરમિયાન જોઈએ તો કુલ 53,687 લોકો જાહેર માં માસ્ક વિના ફરતા ઝડપાયા હતા.

પોલીસે આવા લોકો પાસેથી રૂ.3 કરોડ 69 લાખ 50 હજાર નવસો જેટલો દંડ વસુલ કર્યો હતો. આ સિવાય રાત્રી કર્ફ્યૂનો ભંગ કરતા લોકો, પેસેન્જર વાહનોમાં વધુ લોકો બેસાડી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી કોરોના સંક્રમણ ફેલાય તેવી બેદરકારી દાખવતા રિક્ષા ચાલકો પેસેન્જર વાહન ચાલકો તેમજ ખાનગી વાહન ચાલકો તેમજ મળી કુલ 1491 લોકો વિરુદ્ધ છેલ્લા 4 મહિના દરમિયાન કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે 2020 અને 2021 જૂન સુધીમાં 3128 લોકો ઝડપાયા હતા, જેમના વિરુદ્ધ 188 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અંતર્ગત 186 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લામાં રાત્રી કર્ફ્યુની કડક અમલવારી તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા તત્વો વિરુદ્ધ કડક અને અાકરા દંડના કારણે લોકો બિનજરૂરી ફરતા તેમજ માસ્ક કે સોશ્યલ ડિસ્ટન્સ ભંગ કરતા મોટા પાયે ઘટી ગયા હતા પરિણામે જિલ્લામાં ઝડપી કોરોનાની ચેઇન તોડવામાં અને કેસ કાબુમાં લેવામાં સફળતા મળી હતી.

મોરબી પોલીસે 40,573 માસ્ક નિ:શુલ્ક વિતરણ કર્યા
મોરબી જિલ્લામાં પોલીસે સવા વર્ષના કોરોના કાળ દરમિયાન માત્ર દંડ જ ઉઘરાવી કડક કાર્યવાહી કરી હોય તેવું નથી, દંડની સાથે સાથે માનવતા પણ દાખવતા અનેક કામો કર્યા હતા. આ કામગીરીમાં અનેક ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને રાશન કીટ આપવા, લોક ડાઉન દરમિયાન ચાલીને જતા પ્રવાસી મજૂરોને આશરો આપવા બાળકોને ફૂડ પેકેટ પાણી આપવાની કામગીરી કરી હતી. આ ઉપરાંત મોરબી જિલ્લામાં અલગ અલગ સમયે કુલ 40,573 જેટલા માસ્કનું પણ લોકોને નિઃશુલ્ક વિતરણ કરી પોતાની ફરજ સાથે સાથે માનવતાનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...