ઓળખપરેડ:મોરબીમાં સરાજાહેર લૂંટના આરોપીની ઓળખપરેડ

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રીઢા ગુનેગાર હોય અનેક ભેદ ખૂલવાની શક્યતા

મોરબીના રવાપર રોડ પર દિન-દહાડે આંગડીયા કર્મીને બંદૂકની અણીએ લૂંટી લેનારા બે શખ્સને પોલીસે દિલ્હીથી દબોચી લીધા બાદ તેમને રિમાન્ડ અર્થે રજૂ કરતા બન્નેના તારીખ 12 સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. મોરબીના પંચાસર રોડ પર રહેતા વસંતભાઈ બાવરવાને બે શખ્સએ રવાપર રોડ પર આંતરી મરચાંની ભૂકી છાંટી બંદૂક બતાવી લૂંટ કરી હતી, જેમાં પોલીસે જયદીપ ઉર્ફે લાલો ઉર્ફે શક્તિ નાનજીભાઈ પટેલ અને સંદીપ ઉર્ફે સેન્ડી શ્યામ બહાદુર સિંહ રાજપૂતને દિલ્હીથી ઝડપી લીધા હતા,

તેમજ આરોપીઓ પાસેથી લૂંટના ૩.૯૦ લાખ કબજે કર્યા હતા અને બુધવારે પોલીસે બંને આરોપીઓ પાસે બનાવનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. આજે પોલીસે મામલતદાર સામે ફરિયાદી વસંતભાઈ તથા તેમને હોસ્પિટલ લઇ જનારા મહાવીર બારડ અને પિયુષ પટેલ પાસે આરોપીઓની ઓળખ વિધિ કરાવી હતી જેમાં ફરિયાદી તથા સાક્ષીઓએ બંને આરોપીઓને ઓળખી બતાવ્યા હતા.

પોલીસને આ બંને શખ્સોએ ભૂતકાળમાં અન્ય ગુનાઓ આચર્યા હોવાની શંકા છે, જે અંગે કડક પૂછપરછ ચાલી રહી છે અને આ લૂંટ અંગે કોને અને કઈ રીતે માહિતી આપેલી તે સહિતની વિગતો મેળવાઇ રહી છે .આ બંને શખ્સ જે બાઇક લઇને લૂંટ કરવા આવેલા તથા લૂંટ બાદ જેના ઘરે રોકાયા હતા તે વિરમ નામના શખ્સને ઝડપી લેવા પગેરૂં દબાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...