નૅશનલ હાઇવે ઓથોરીટીને જાણે ટોલટેક્સ ઉઘરાણીમાં જ રસ હોય વાંકાનેરથી છેક સામખીયાળી સુધીના રોડ અને બ્રીજ અતિ જર્જરિત હાલતમાં હોય અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા હોવા છતાં બ્રીજ કે રસ્તાના રીપેરીંગની કામગીરી કરવામાં અલગ અલગ બહાના કરી હાથ ખંખેરી લે છે. માળીયા ફાટક પાસે આવેલા ઓવરબ્રિજમાં એટલી હદે જીવલેણ ગાબડાં પડી ગયા છે કે આ ખાડાના કારણે માળીયા ફાટક પાસેના ઓવરબ્રિજ પર આઠ જેટલા વાહનો ખાબકયા હતા.
4 વર્ષ પહેલાં બનેલા બ્રિજ પર ઊડે છે કાંકરી
માળીયા ફાટક ઉપર ઓવરબ્રિજ બન્યાને 3-4 વર્ષ થયાં હશે. પણ ઓવરબ્રિજનું કામ કરનાર જવાબદાર કોન્ટ્રકટ એન્જસીએ આ કામ ખુબ જ નબળું કર્યું હોય એમ સતત અહિયાં ધૂળની ડમરીઓ ઉડે છે .ઉપરાંત ગાબડા પડી ગયા છે. છેલ્લા સાત આઠ માસથી માળીયા ફાટક પાસેના ઓવરબ્રિજ ચડતી અને ઉતરતી જગ્યાએ એટલી હદે જીવલેણ ખાડા પડી ગયા છે કે વારંવાર નાના મોટા અકસ્માત થાય છે. ધૂળની ડમરીઓ સતત ઊડતી હોય આ વિસ્તારના લોકોની હાલત કફોડી બની છે.
5 દિવસમાં 8 વાહનની પલટી
છેલ્લા પાંચ દિવસમાં આઠ જેટલા વાહનો પલ્ટી ગયા છે. જેમાંથી ગઈકાલે ત્રણ જેટલા વાહનો ખાબકયા હતા. એમાંથી એક સ્કૂટર ચાલકને ઇજા થઇ હતી. ગત મોડી રાત્રે એક ટાટા માલવાહક વાહન પણ પલ્ટી મારી ગયું હતું. સદનસીબે જાનહાની થઈ નથી. જો કે આ ખાડા રીપેર કરવા માટે નજીકના વઘાસિયા ટોલનાકાના જવાબદાર અધિકારીઓને જાણ કરી હતી. એમણે અમારી હદમાં આવતું ન હોવાનું અને જે તે કોન્ટ્રાક્ટ કંપનીની જવાબદારી હોવાનું જણાવીને હાથ ખંખેરી નાખ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.